ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા રાકેશ ટિકૈતે ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાના મોદી સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા (Farmer Protest) પાછા ખેંચાયા છતાં ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. રાકેશ ટિકૈત, સંયુક્ત કિસાન મોરચાના નેતા એ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતનું કહેવું છે કે જ્યાં સુધી સંસદમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું કે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાત કરવી જોઈએ. તેમણે કહ્યું, “આંદોલન તરત જ પાછું ખેંચવામાં નહીં આવે, અમે તે દિવસની રાહ જોઈશું. જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ થશે. MSPની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.
આ પહેલા ગુરુ પર્વના અવસર પર ખેડૂતોની માંગ સામે ઝૂકીને મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. PM મોદી એ આજે રાષ્ટ્રજોગ સંદેશમાં કૃષિ કાયદાને લઇને ખુબજ મહત્ત્વની જાહેરાત કરી હતી.તેમણે એમએસપીને મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આ અંગે કાયદો બનાવવા અંગે કોઈ સ્પષ્ટ વાત કરી ન હતી.
ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નેતાઓ હંમેશા સ્પષ્ટ રહ્યા છે કે તેમનું આંદોલન માત્ર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ નથી. ખેડૂત આંદોલને હંમેશા એમએસપી અંગે કાયદો બનાવવાની માંગને પુનરાવર્તિત કરી છે. આ સિવાય તેમાં કૃષિ સંબંધિત અન્ય સુધારાઓનો પણ ઉલ્લેખ છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ તેમનો વિરોધ કરીને આંદોલન શરૂ કર્યું. અને એક વર્ષ સુધી દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર આંદોલન ચાલુ રાખ્યું. ખેડૂતોએ હાલ સરહદ પર જ રહેવાનો નિર્ણય કર્યો છે.