ગુજરાત સરકારના કર્મચારીઓને આનંદો! સરકારે મોંઘવારી ભથ્થું 11 ટકા વધીને 28 ટકા કર્યું
ભારત સરકારની તર્જ ઉપર ગુજરાત સરકારના ૯ લાખથી વધુ કર્મચારી, પેન્શનરોને પણ મહિને ૨૮ ટકા મોંઘવારી ભથ્થું- DA મળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારની સાંજે આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, હાલમાં ૧૭ ટકા મોંઘવારી ભથ્થું મળે જ છે. હવે ૧લી જુલાઈ ૨૦૨૧ની પાછલી અસરથી તેમાં ૧૧ ટકાનો વધારો કર્યો છે. જેનો અમલ સપ્ટેમ્બર ૨૦૨૧ના પગાર સાથે થશે.
રાજ્યમાં સરકારી અને પંચાયતી રાજની સંસ્થાઓના ૫,૧૧,૧૨૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનર્સ મળી કુલ ૯,૬૧,૬૩૮ને ૨૮ ટકા લેખે મોંઘવારી ભથ્થાંનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી ઉપર મહિને રૃપિયા ૩૮૭ કરોડનો બોજો પડશે. સરકારી કર્મચારી-પેન્શનરોના પગારમાં ૧લી ઓક્ટોબરથી આ વધારા લેખે સરકારી પૈસા છૂટા થતા અર્થતંત્રને પણ ગતિ મળશે. નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં પણ રોનક વધશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યંુ કે, ગુજરાત સરકાર પ્રણાલીગત રીતે મોંઘવારી ભથ્થાની બાબતમાં ભારત સરકાર જે ધોરણે તેના કર્મચારીઓને ભથ્થંુ આપે છે તેને અનુસરે છે. ૧૧ ટકા વધારાનો અમલ સપ્ટેમ્બરના પગાર સાથે ચૂકવાશે.
જ્યારે જુલાઈથી મળવાપાત્ર વધારો એટલે કે એરિયર્સની રકમનું ચુકવણું ઓક્ટોબર મહિનાના પગાર સાથે થશે. તેવી જ રીતે ઓગસ્ટ મહિનાના મળવાપાત્ર એરિયર્સની રકમ જાન્યુઆરી-૨૦૨૨ના પગાર સાથે કરવામાં આવશે.
DAની જાહેરાત માટે ગાંધીનગર કોર્પો.ની ચૂંટણી મોડી જાહેર થઈ
સરકારી કર્મચારીઓ, પેન્શનરોના શહેર ગાંધીનગરમાં સ્થગિત રહેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સોમવારે સાંજે ૪ કલાકે જાહેર થવાની હતી. જોકે, રાજ્ય ચૂંટણી આયોગે ૪ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ બદલે પાંચ વાગ્યે મુકરર કરી હતી. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોંઘવારી ભથ્થાંમાં ૧૧ ટકા વધારાનો નિર્ણય જાહેર કર્યો, અહીંના હયાત ટાઉનહોલનું રૃ.૧૭.૨૧ કરોડના ખર્ચે રિનોવેશન કરીને ૬ મહિનામાં જ લોકાર્પણ કરવાનું પણ જાહેર કર્યુ હતંુ. સરકારની આ બેઉ જાહેરાતોને આચારસંહિતા આડી ન આવે એટલા માટે ચૂંટણી આયોગે અચાનક એક કલાકનો ફેરફાર કર્યો હતો કે કેમ ? તેના જવાબમાં ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે ”ડોક્યુમેન્ટના સેટ તૈયાર કરવામાં વિલંબ થતા ૪ને બદલે પાંચ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી છે” એમ કહીને સરકારની જાહેરાત અને કાર્યક્રમથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
ઘટતા સરકારી કર્મચારીઓ સામે વધતો પગારનો ખર્ચ !
બે વર્ષમાં ગુજરાત સરકારના સરકારી ખાતા અને સહાયિત (ગ્રાન્ટેબલ) સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં ૧.૧૨ લાખથી વધુનો ઘટાડો થયો છે. જોકે, તેની સામે ર્વાિષક પગારખર્ચનું બિલ રૃ.૫૬૦ કરોડ વધવાનો નાણાં વિભાગે અંદાજ મૂક્યો છે. તેનાથી ઊલટંુ પેન્શનરોની સંખ્યા વધી ૧૪,૯૫૯એ પહોંચશે ત્યારે તેમના પગાર ખર્ચમાં રૃ.૧,૫૪૯ કરોડનો ખર્ચ ઘટશે ! નાણાં વિભાગના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૯-૨૦માં સરકાર ૪,૬૯,૭૨૧ પેન્શનરોના પેન્શન પેટે ૧૭,૬૬૩ કરોડનો ખર્ચ થતો હતો જે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને રૃ.૧૬,૧૧૪ થશે. જોકે, પેન્શનરોની સંખ્યા વધીને ૪,૮૪,૬૮૦એ પહોંચશે.
મંત્રીઓનો પગાર આઉટસોર્સના એક કર્મીનાં વેતન જેટલો વધશે !
કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને કારણે ગુજરાત સરકારે પગાર સહિતના ખર્ચમાં મૂકેલી ‘કરકસર’ છ મહિનાથી ઊઠી ગઈ છે. પાંચ વર્ષની મુદ્દત માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એપ્રિલ-૨૦૨૧થી ફુલ પગાર-ભથ્થાં મેળવી રહ્યાં છે. કાયદો ઘડનારા, નાગરિકોના ટેક્સનો હિસાબ કરનારાઓએ પોતાના માટે જેમ મોંઘવારી ભથ્થંુ વધે તેમ પગાર વધારવાની વ્યવસ્થા કરી છે. આથી, મોંઘવારી ભથ્થાંમાં ૧૧ ટકા વધારાથી એક મંત્રીના પગારમાં આઉટર્સોિંસગના એક કર્મચારીનાં વેતન જેટલો વધારો થશે. ૧૪મી વિધાનસભાને હવે માંડ ૧૫ મહિના બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, વિપક્ષના નેતા, વિધાનસભાના પદાધિકારીઓને હાલમાં ભથ્થાં સહિત મહિને રૃપિયા ૧,૨૭,૦૪૫ આસપાસ પગાર મળે છે. બેઝિક પગારના ૧૧ ટકા લેખે તેમાં રૃ.૧૦,૮૩૫નો વધારો થતા હવે સપ્ટેમ્બર મહિનાના પગાર પેટે ૧લી ઓક્ટોબરથી સેલેરી એકાઉન્ટમાં રૃ.૧.૩૭ લાખથી વધુની રકમ જમા થશે. તેવી રીતે ધારાસભ્યોને મળતા રૃ. ૧,૦૩,૯૯૬માં રૃ. ૮,૬૬૮ વધતા મહિને રૃ. ૧.૧૧ લાખથી વધુ રકમ જમા થવાનું શરૃ થઈ જશે. અત્રે એ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવતંુ નથી.