ગુજરાતભરની તમામ આઈટીઆઈમાં હાલમાં કાચા લાઈસન્સ માટે ઉમેદવારોએ ઓરિજનલ ડોક્યુમેન્ટ લઈને જવું પડે છે. ઉમેદવારનું ત્યાં હાજર અધિકારીઓ ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ કોમ્પ્યૂટર ટેસ્ટ આપવા દેતા હોય છે, પરંતુ હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા અરજદારો સરળતાથી પરીક્ષા આપી શકે તેની માટે નવું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે, જેમાં અરજદારો કાચા લાઈસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરશે ત્યારે ઉમેદવારોએ તેમના ડોક્યુમેન્ટ સેલ્ફ ડિક્લેરેશન સાથે અપલોડ કરવાના રહેશે.
બાદમાં જે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હોય તે નંબર પરથી ઉમેદવાર ઓનલાઈન મોબાઈલ કે લેપટોપમાંથી પરીક્ષા આપી શકશે. જેના કારણે અરજદારોએ હવે કાચા લાઈસન્સ માટે આઈટીઆઈ જવાની જરૂર નહીં પડે..
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્ય સરકારે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. આવી ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધા પછી વિદ્યાર્થીઓને આરટીઓ દ્વારા લેવામાં આવતી ડ્રાઇવિંગ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં.
ગાઈડલાઇન્સ અનુસાર, માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલોની પોતાની જમીન અને તાલીમ સંસ્થા હોવી આવશ્યક છે. જો તાલીમાર્થીએ 60% અથવા વધુ ગુણ મેળવ્યા હોય તો જ સંસ્થા પ્રમાણપત્ર આપશે. પ્રમાણપત્રના આધારે અધિકારીઓ દ્વારા આરટીઓમાં કોઈ પણ પરીક્ષા લીધા વિના ઉમેદવારને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે. આરટીઓ સંસ્થા દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રના આધારે લાઇસન્સ આપશે. જો કે, સંસ્થાએ ઉમેદવારનો રેકોર્ડ રાખવો પડશે જે જરૂરી હોય ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસી શકાય.