એક વર્ષથી ક્લાસ–ટુ અધિકારીની છેડતી કરતો હતો, ઓફિસમાંથી જ એરેસ્ટ કરી લીધો
ફરિયાદી મહિલાને બદનામ કરવા નવ સિમકાર્ડ, ત્રણ મોબાઈલ વાપરતો
મહિલાના 12 વર્ષના પુત્રના મોબાઈલ પર પણ અભદ્ર ફોટો મોકલી ડિલીટ કર્યા
મયંક પટેલ મહિલાના પતિ, સસરાને અશ્લીલ વીડિયો મોકલી ધમકી આપતો
ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા એક ક્લાસ–2 કક્ષાના મહિલા અધિકારીને છેલ્લા એક વર્ષથી અશ્લીલ ફોટો અને વીડિયો મોકલી ધમકી આપતા, હેરાનગતિ કરતાં હોવાની સાઇબર ક્રાઈમમાં થયેલી ફરિયાદના આધારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રાંત અધિકારીની ફરજ બજાવતા મયંક પટેલની તેમની જ ઓફિસમાં હતા તે જ સમયે મંગળવારે ધરપકડ થઈ છે. રાજ્યમાં ફરજ પરના જ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની ધરપકડ થયાની જૂજ ઘટનામાંની આ એક હતી.
રાજ્યના એક IPS અધિકારીના જ કૌટુંબિક સંબંધી મનાતા મહિલા અધિકારી અને તેમના પરિવારજનો દ્વારા વારંવાર મયંક પટેલને વોટ્સએપ કોલ, વીડિયો કોલ, ફોટા મોકલી સમાજમાં બદનામી કરવાના ઈરાદે કરાતી હેરાનગતિ અટકાવવા સમજાવવા છતાં તે માન્યા ન હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. એટલે સુધી કે, મયંક પટેલ નવ જુદા જુદા સિમ કાર્ડ અને ત્રણ મોબાઈલ ફોન મારફતે આ પ્રવૃત્તિ કરતો હતો અને ફરિયાદીના 12 વર્ષના દીકરાને પણ તેણે વોટ્સએપ પર અત્યંત અશ્લીલ વીડિયો, ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા, જે પછીથી ડિલીટ કરી દીધા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રાંત અધિકારી તરીકે ફ્રજ બજાવતા મૂળ ખેડાના કપડવંજ તાલુકાના શીહોરાના 28 વર્ષિય મયંક રાજેશભાઇ પટેલની અમદાવાદ સાયબર ક્રાઇમે મોડાસા સેવા સદનમાં આવેલી તેની ઓફિસમાંથી જ ધરપકડ કરતાં અરવલ્લી જિલ્લામાં જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓના વર્તુળમાં હડકંપ મચી ગયો છે. આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી અમીત વસાવાના જણાવ્યા અનુસાર પ્રાંત અધિકારી મયંક પટેલ ગાંધીનગર જિલ્લામાં ફ્રજ બજાવતા ક્લાસ–2 મહિલા અધિકારી સાથે 2016માં સરકારી મિટિંગોમાં અનેકવાર મળતાં હોવાથી પરિચયમાં આવ્યા હતા. તે એક બીજાને ફોન અને વોટ્સએપ મેસેજ પણ કરતા હતા. તેમજ બંન્ને જણા એકબીજાના ઘરે પણ આવ–જા કરતાં હતા. જેના કારણે સંબંધો વધારે મજબુત થયા હતા. મયંક પટેલ તેનો મહિલા અધિકારી સાથે ગેરફાયદો લેતો હતો. મહિલા અધિકારી મયંક પટેલના તાબામાં જ કામ કરતી હોવાથી કઇ કહી શકતી નહોતી. જેથી પ્રાંત અધિકારી મયંક સોશિયલ મીડિયા મારફતે આ મહિલાને દોઢ વર્ષથી એટલો હેરાન કરતો હતો. તેને કોઇનો ડર જ રહ્યો નહોતો. મહિલા અધિકારીને બદનામ કરવા માટે તેના પતિ– સસરા તેમજ અન્ય સગાં–સબંધીને વાંધાજનક ફોટા–વિડીયો મોકલતો હતો.
મયંક પટેલ મહિલા અધિકારીના પ્રેમમાં એટલો પાગલ થઇ ગયો હતો કે તે પોતાની પત્નીને છુટાછેડા આપવા માટે પણ તૈયાર થઇ ગયો હોવાનુ જાણવા મળ્યુ છે. મહિલા અધિકારીએ આ વિશે પરિવારને વાત કરતાં મહિલા અધિકારીના પતિ અને પરિવારે પણ પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો. જોકે અધિકારી કોઇનું માન્યો નહોતો અને પોતાની મનમાની કરીને ફેટા અને વીડિયો મોકલવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે નવ સીમ કાર્ડ, ત્રણ મોબાઈલ અને એક આઈ–પોડ ઉપરાંત તેના દરેક મોબાઈલમાંથી વીડિયો, ફોટોગ્રાફ્સ, વોટ્સએપ ચેટ, વોટ્સએપ કોલ, વીડિયો કોલની હિસ્ટ્રી સહિતના તમામ પુરાવા પોલીસે એકઠા કરી લીધા છે.
જે જુદા જુદા નવ નામે સીમ વાપરતો તે દરેકની તપાસ થશે
મોડાસા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અધિકારી કલાસ 2 અધિકારી છે. જે પોતે કાયદા જાણતો હોવા છતાં પ્રેમમાં પાગલ બનીને નવ જેટલા જુદા–જુદા મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો. જેથી સાયબર ક્રાઇમના ડીસીપી અમીત વસાવાના જણાવ્યા પ્રમાણે ત્રણ મોબાઇલ તેના જપ્ત કર્યા છે. તેમજ અન્ય મોબાઇલ નંબર તે તેના અન્ય ઓળખીતાના વાપરતો હતો. જેથી મહિલા અધિકારીને બદનામ કરવા માટે વપરાયેલા તમામ મોબાઇલ નંબરનો ઉપયોગ કર��ારની સાયબર ક્રાઇમ પુછપરછ કરશે.
મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલે તેના હોદ્દાનો દુરુપયોગ કરીને બેનામી સંપતિ બનાવી હોવાની ચર્ચાએ પણ જોર પકડયુ છે. જેથી તેની સામે કાર્યવાહી કરાય એટલા માટે એસીબીને પણ જાણ કરાય તેવી શકયતા સેવાઇ રહી છે.
‘પ્રેમસંબંધ‘ તૂટતા હતાશામાં પગલું ભર્યું !?
મહિલાની ફરિયાદ મુજબ ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલે તેના બિભત્સ ફોટા, વીડિયો તેના સગીર પુત્ર, પતિ, સસરા તેમજ અન્ય સગાંસંબંધીઓને મોકલ્યા હતા. મયંક પટેલ પાસે ફરિયાદીના બિભત્સ ફોટા કેવી રીતે આવ્યા? તે પ્રશ્નના જવાબમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, મહિલા અને મયંક પટેલ વચ્ચે પરિચય મિત્રતામાં અને મિત્રતા ગાઢ સંબંધમાં ફેરવાયો હતો. બંને વચ્ચેનો સંબંધ અંગત પળો માણવા જેવો અને તે દરમિયાન સેલ્ફી અને વીડિયો લેવાનો પણ હોવો જોઈએ તો જ મયંકના મોબાઈલમાં તે મળી શકે, તેમ પણ સૂત્રો જણાવે છે. પરંતુ કોઈક કારણસર પરણિત મહિલાએ આ સંબંધ પર પૂર્ણવિરામ મુકવાનું નક્કી કર્યું હશે અને તેનાથી હતાશ, ગુસ્સે થઈ મયંકે તેના ફોટા મોકલ્યા હોવાનુું પણ ચર્ચાય છે.
સામાન્યપણે એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી સામે ફોજદારી ગુનો નોંધાવાની ઘટના જૂજ હોય છે. પરંતુ આ કિસ્સામાં ગાંધીનગરના જ એક ઉચ્ચ અને ભૂતકાળમાં એક રાષ્ટ્રીય કક્ષાનો રાજકીય વિવાદ સર્જનારા કેસમાં સંડોવાયેલા ૈંઁજી અધિકારીનું પીઠબળ આ મહિલાને મળ્યું છે. આ ૈંઁજી અધિકારી આ મહિલના નજીકના સગાં થતાં હોવાની ય ચર્ચા છે. આથી જ ફરિયાદ નોંધાયાના ગણતરીના જ સમયમાં ફરજ પર હાજર એવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની ધરપકડ પણ થઈ ગઈ હતી.