કોંગ્રેસમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં શરૂ થયેલી મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લેતી. નવજોત સિંહ સિદ્ધુએ રાજ્યના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને નવા મુખ્યમંત્રીના નિર્ણયો સામે સવાલ ઉભા કરી દીધા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ નવા મુખ્યમંત્રી રણજીત સિંહ ચન્ની સાથે જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ચન્નીએ કહ્યું કે, સિદ્ધુ સાથે વાત કરવામાં આવશે, તેનાથી વિશેષ મીડિયાના સવાલને ચન્નીએ ટાળી દીધા હતા.
સિદ્ધુએ શું શરતો મૂકી?
નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું આપતા કહ્યું હતું કે, તેઓ કોઈ પ્રકારની સમજૂતી કરી શકે તેમ નથી. બુધવારે તેમણે એક વીડિયો સંદેશમાં પણ આ વાત ઉપર જ ભાર આપ્યો હતો કે નવી સરકારમાં બળવાખોરોને જગ્યા આપવામાં આવી છે, પછી ભલે તે મંત્રી હોય કે એડ્વોકેટ જનરલ હોય.
હવે સૂત્રો દ્વારા મળેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, સિદ્ધુ કેમ્પ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તેઓ રાજીનામું ત્યારે જ પાછું લેશે જ્યારે તેમની શરતો માનવામાં આવશે. તેમાં રાણા ગુરજીત સિંહને કેબિનેટથી હટાવવા, ડીજીપી પ્રીત સિંહ સહોતાને હટાવવાની માંગણી છે. IPS સહોતાએ જ બાદલ સરકાર દરમિયાન થયેલી ફાયરિંગની તપાસ કમિટીની આગેવાની કરી હતી. આ સિવાય એડ્વોકેટ જનરલ એપીએસ દેઓલને પણ હટાવવાનું સામેલ છે. નવજોત સિંહ સિદ્ધુએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ તેમના એજન્ડાથી પીછે હટ નહીં કરે.
કોંગ્રેસ હાઈકમાન્ડે હાથ ઉંચા કર્યા
નવજોત સિંહ સિદ્ધુએ આ પ્રમાણે રાજીનામા પછી કોંગ્રેસ હાઈકમાન્ડ પણ આકરા મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે હાઈકમાન્ડે જ પ્રભારી હરિશ રાવતની ચંદીગઢ મુલાકાત રદ કરાવી છે. જ્યાં તેઓ નવજોત સિંહ સિદ્ધુને મનાવવા જવાના હતા.
કોંગ્રેસ હાઈકમાન્ડ હાલની સ્થિતિમાં સંપૂર્ણ રીતે સીએમ ચન્નીની સાથે છે અને હવે નવા પ્રદેશ અધ્યક્ષની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કુલદીપ નાગરા, રવનીત સિંહ બિટ્ટુ આ વખતે પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનવાની રેસમાં સામેલ છે.
સીએમ ચન્નીએ સવાલ ટાળી દીધો
રાજકિય હોબાળા વચ્ચે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે કેબિનેટ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન જ્યારે તેમને નવજોત સિંહ સિદ્ધુ દ્વારા લગાવવામાં આવેલા આરોપ વિશે સવાલ કર્યો તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ સાથે વાતચીત ચાલુ છે. સરકાર પાર્ટીની વિચારધારા પર કામ કરી રહી છે.
ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, તેમની ફોન પર નવજોત સિંહ સિદ્ધુ સાથે વાત થઈ છે. તેઓ ટૂંક સમયમાં જ તેમની સાથે મુલાકાત કરવાના છે અને જે પણ વાત થશે તેની ચર્ચા કરવામાં આવશે.
નોંધનીય છેકે, પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. એખ બાજુ કોંગ્રેસમાં અંદર અંદર લડાઈ ચાલી રહી છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી અને અકાળી દળના નેતાઓ ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. જે સમયે કોંગ્રેસ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા વિશે ચર્ચા કરતી હતી ત્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પંજાબમાં પ્રચાર કરતા હતા.
સિદ્ધુની નારાજગીના પાંચ કારણો
પહેલું- સુખજિંદર સિંહ રંધાવા
નવજોત સિંહ સિદ્ધુ સુખજિંદર સિંહ રંધાવાને ઉપમુખ્યમંત્રી બનાવવા મુદ્દે નારાજ છે. રંધાવા જાટ સિખ છે. આ સંજોગોમાં ભવિષ્યમાં પણ તેમની મુખ્યમંત્રી બનવાની શક્યતા વધારે છે. રંધાવા પાસે સૌથી મહત્વના ગૃહ મંત્રાલયની જવાબદારી પણ છે.
બીજું- તેમના ખાસ લોકો મંત્રી ના બન્યા
નવજોત સિંહ સિદ્ધુનો પ્રયત્ન હતો કે કેપ્ટનને હટાવ્યા પછી તે તેમના ખાસ લોકોને લાલ બત્તી વાળી ગાડી અપાવીને તેમના અહેસાન ઉતારી દેશે. પરંતુ પાર્ટી હાઈકમાન્ડે તેમના ઘણા વખત કહેવા છતાં પણ કુલજીત સિંહ નાગરા અને સુરજીત સિંહ ધીમાનને મંત્રી ના બનાવ્યા.
ત્રીજું: રાણા ગુરજીત સિંહ
સિદ્ધુ રાણા ગુરજીત સિંહને મંત્રી બનાવવા વિરુદ્ધ હતા. તેમણે આને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવ્યો છે. તેમની દલીલ હતી કે, રાણા પર ખાણ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. તેથી તેમણે કેપ્ટનના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ પાર્ટી પર ક્ષેત્રીય સંતુલન બનાવવા તેમને મંત્રી બનાવવા પડ્યા છે.
ચોથું: ચન્નીએ અવગણના કરી
સિદ્ધુને આશા હતી કે, ચરણજીત સિંહ સિદ્ધુની મરજી પ્રમાણેના નિર્ણયો લેશે. પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી ચન્નીએ તેમની મરજીથી ડીજીપી અને મુખ્ય સચિવની નિમણૂક. સિદ્ધુએ ચન્નીના આ નિર્ણયનો વિરોધ કર્યો, પરંતુ ચન્નીએ સિદ્ધુની ભલામણની અવગણના કરી.
પાંચમું: સીએમ ના બનાવ્યા
સિદ્ધુની નારાજગીનું સૌથી મોટું કારણ છે તેમને મુખ્યમંત્રી ના બનાવવા. સિદ્ધુ છેલ્લાં ચાર વર્ષથી મુખ્યમંત્રી બનવાનો પ્રયત્ન કરે છે. તેના માટે તો તેમણે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે અભિયાન પણ શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે સિદ્ધુ કેપ્ટનને હટાવવામાં સફળ રહ્યા તે પછી ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.