આપણા બહાદુર સૈનિકો શિયાળાની ઋતુ અને કડકડતી ઠંડી વચ્ચે લોકો પોતાના ઘરની અંદર બેઠા હોય ત્યારે લોહી થીજાવી દે તેવા તાપમાન વચ્ચે દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક અને જમ્મુ-કાશ્મીરની આગળની પોસ્ટ પર હાલમાં ભારે હિમવર્ષા (Heavy Snowfall) થઈ રહી છે.
કડકડતી ઠંડીમાં પણ સરહદ પર તૈનાત જવાનોનો ઉત્સાહ ઓછો થયો નથી. આ સૈનિકો બરફથી ઢંકાયેલી ચાદરની વચ્ચે ગોરખા ખુકરી નૃત્ય કરતા જોઈ શકાય છે.
ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ દરેક ભારતીય જવાનોના જુસ્સાને સલામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક ભારતીય સૈનિકો ગોરખા ખુકરી ડાન્સ કરી રહ્યા છે. જ્યાં આ જવાનો ડાન્સ કરી રહ્યા છે તે જગ્યાએ ચારેબાજુ બરફ જમા થયો છે અને ઉપરથી હિમવર્ષા ચાલુ છે.
આપણે બધા જાણીએ છીએ કે સરહદ પર તૈનાત આપણા જવાનો સુરક્ષાની ફરજ કેટલી જવાબદારીપૂર્વક નિભાવે છે. શૂન્યથી નીચેના તાપમાનમાં પણ આ જવાનોનો જુસ્સો ઓછો થતો નથી. ભારતીય સેનાના જવાન કોઈપણ પ્રકારના તણાવ અને મુશ્કેલી વિના બરફ વચ્ચે આપણી સુરક્ષા માટે દિવસ-રાત લડી રહ્યા છે.
હિમવર્ષા વચ્ચે ભારતીય સૈનિકો ગર્ભવતી મહિલાને પગપાળા હોસ્પિટલ લઈ ગયા
ભારતીય સેનાના જવાનો સરહદ પર તો દેશની રક્ષા કરે જ છે પરંતુ સામાન્ય લોકોની મદદ કરવામાં પણ પાછળ હટતા નથી. જવાનોએ શનિવારે એવું કામ કર્યું કે જેની દેશભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સેનાના જવાનો ગર્ભવતી મહિલાને છ કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તેણે આ કામ ભારે હિમવર્ષા દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ વીડિયોમાં સેનાના જવાનો જે મહિલાની મદદ કરી રહ્યા છે તે નિયંત્રણ રેખા (LoC) પાસેના ઘગ્ગર હિલ ગામમાં રહે છે. શનિવારે જેવી સૈનિકોને એક મહિલા તબિયત બગડવાની જાણ થઈ ત્યારે તેઓ તાત્કાલિક મેડિકલ ટીમ સાથે મહિલાના ઘરે પહોંચ્યા. અહીં પહોંચતા જ તેમણે જોયું કે, મહિલાની તબિયત વધુ બગડવા લાગી છે. આ પછી સૈનિકોએ મહિલાને પગપાળા હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો.
હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર લોકોએ ભારતીય જવાનોના જુસ્સાને સલામ કર્યા અને તેમનો આભાર માન્યો. હાલ મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૈન્યના જવાનોના આ ઉમદા કાર્યની પ્રશંસા ગર્ભવતી મહિલાના પરિવારજનો પણ કરી છે.