દિલ્હી અને આસપાસના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતા તાકીદે મહત્ત્વનાં પગલાં લઈ સમસ્યા ઉકેલવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ દિલ્હી સરકારને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાનાં વડપણ હેઠળની બેન્ચે આ મામલે સોમવારે કેન્દ્ર તેમજ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી અને મંગળવાર સાંજ સુધીમાં આ મામલે જવાબ રજૂ કરવા ફરમાન કર્યું હતું.
પ્રદૂષણ ઓકતા વાહનો તેમજ પાવર પ્લાન્ટ સામે કડક પગલાં લેવા કહ્યું હતું. કોર્ટે કેન્દ્રને જણાવ્યું હતું કે, દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ યુપી સરકારની મંગળવારે જ સંયુક્ત મિટિંગ યોજીને સમસ્યાનો ઉકેલ લાવો. બીજી તરફ દિલ્હી સરકારે કોર્ટને કહ્યું હતું કે અમે દિલ્હીની સાથે અન્ય રાજ્યોમાં લૉકડાઉન માટે તૈયાર છીએ. તો જ સ્થિતિ કાબુમાં આવશે. કોર્ય દ્વારા કેસની વધુ સુનાવણી 17મીને બુધવારે હાથ ધરવામાં આવશે.
દિલ્હીમાં આગામી ત્રણ દિવસ પણ પ્રદુષણની સ્થિતિ ખરાબ રહેશે અને લોકોને દૂરનું જોવામાં મુશ્કેલી સર્જાઈ શકે તેટલું સ્મોગ રહેવાના સંકેત સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, દિલ્હીના વાતાવરણમાં ભયાનક ધૂમાડાનું પ્રમાણ 10 ટકા હતું જે દિવાળી પછી સૌથી ઓછું હતું છતાં સ્થિતિ સુધરી નથી. ડીપીસીસીના અહેવાલ પ્રમાણે ગુરુવાર સુધી પ્રદુષણની સ્થિતિમાં ખાસ સુધારો નહીં થાય.