સેનાએ અધિકારીઓને ચેતવણી આપી છે કે, પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સોશિયલ મીડિયા પર સેના વિશેની માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી છે. તાજેતરમાં જ આઈએસઆઈએ સેનાના એક ઓફિસરને પાકિસ્તાનના શંકાસ્પદ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી લીધા હતા. ત્યારપછી સેનાએ અધિકારીઓને વોટ્સએપ સેટિંગ્સ બદલવાની સલાહ આપી છે.
સેનાએ 11 નવેમ્બરે પત્ર જાહેર કરીને કહ્યું કે, માહિતી મળી છે કે, પાકિસ્તાનના શંકાસ્પદ ફોન નંબર +9230332569307એ સેનાના એક અધિકારીને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી દીધા હતા. અધિકારીએ બુદ્ધી વાપરીને એ ગ્રૂપમાંથી એક્ઝિટ થતા પહેલાં તેનો સ્ક્રીન શોટ લઈ લીધો હતો. તેથી જો અધિકારીઓના વોટ્સએપ સેટિંગમાં અનઈચ્છીત ગ્રૂપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવે તો આ સ્થિતિ ટાળી શકાય છે.
ચેટિંગ એપ દ્વારા સેનાના પરિવારની માહિતી મેળવવાનો પ્રયત્ન કરાય છે
સેનાએ કહ્યું કે, આ ઘટનાથી સ્પષ્ટ હતું કે, પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીના લોકો સેનાના અધિકારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. પહેલાં પણ વોટ્સએપ જેવા ચેટિંગ પ્લેટફર્મ દ્વારા સેનાના પરિવારની માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૈન્ય અધિકારીઓ અને તેમના પરિવારજનોએ વોટ્સએપ ચેટ નંબરના સેટિંગ્સ બદલીને તેની પહોંચ માત્ર કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો સુધી સીમિત કરી દેવી જોઈએ.
સેનાના સીનિયર અધિકારી અને જવાન આઈએસઆઈના હની ટ્રેપમાં ફસાઈ ચૂક્યા છે
સેનાની એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આઈએસઆઈના જાસુસ ખાનગી અને સંવેદનશીલ માહિતી મેળવવા માટે જવાનો અને અધિકારીઓ સાથે ચેટિંગ કરે છે. તાજેતરમાં જ સેનાના 2 જવાનોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસુસોએ હનીટ્રેપ કર્યા હતા. ગયા થોડા વર્ષોમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે જેમાં સેનાના સીનિયર અધિકારીઓને આ જાસુસો તેમની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હોય.