જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પીએમ પેકેજ પર ભરતી થયેલી મહિલા કર્મચારીની હત્યા કરી નાખી છે. આ મહિલા કુલગામમાં શિક્ષિકા હતી અને 1990માં હિજરત બાદ તેને ફરીથી બોલાવીને પીએમ એમ્પ્લોયમેન્ટ પેકેજ હેઠળ કાશ્મીરમાં નોકરી આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે મંગળવારે સવારે અજાણ્યા આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને તેમનું નામ પૂછીને તેમના પર ગોળી ચલાવી હતી, ત્યારબાદ તેમને કુલગામની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત શિક્ષિકાની ઓળખ રજની નામની મહિલા તરીકે થઈ છે, જે સાંબાના રહેવાસી હતી.
કાશ્મીર ઝોન પોલીસના નિવેદન અનુસાર આતંકવાદીઓએ મંગળવારે સવારે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં આવેલ એક હાઈસ્કૂલના શિક્ષકને ગોળી મારી હતી. મહિલાને ગોળી વાગ્યા બાદ તેને કુલગામની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. હુમલાખોરો સ્થળ પરથી નાસી જવામાં સફળ થયા છે.
વિસ્તારમાં સુરક્ષા દળોનું મોટું સર્ચ ઓપરેશન
ઘટના બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો કુલગામ જિલ્લાની હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન
કુલગામની ઘટનાએ ફરી એકવાર ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જે મહિલાને આતંકીઓએ ગોળી મારી હતી તેને પણ પીએમ સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ પેકેજ પર ઘાટીમાં મોકલવામાં આવી હતી. કાશ્મીરમાં તૈનાત આ મહિલાનો પરિવાર 1990માં ઘાટીમાંથી હિજરત કરી ગયો હતો.
રાહુલ ભટની 12મી મેના રોજ હત્યા થઇ હતી
આ મહિનામાં પીએમ સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ પેકેજ પર ભરતી કરાયેલા કર્મચારીની હત્યાની આ બીજી ઘટના છે. આની પહેલા આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં રાહુલ ભટ નામના કર્મચારીની હત્યા કરી નાખી હતી. આ મહિનાની 12 તારીખે આતંકવાદીઓએ રાહુલ ભટને બડગામના ચદૂરા તાલુકામાં ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં રાહુલે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પછી કાશ્મીરમાં પીએમ સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ પેકેજ હેઠળ ભરતી કરાયેલા કર્મચારીઓએ તેમની સુરક્ષાને ટાંકીને સામૂહિક રાજીનામાની જાહેરાત કરી હતી. આ સિવાય દરેકે સુરક્ષાની પણ માંગણી કરી હતી.