વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના (Gangotri Dham) કપાટ શુક્રવારે રાત્રે 11.45 કલાકે અન્નકૂટ દર્શન બાદ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંગામેયાની ડોલી માતા ગંગાના જયઘોષ સાથે મુખવા જવા રવાના થઇ. કપાટ બંધ થવાને કારણે હવે દેશ-વિદેશના ભક્તો માતા ગંગાના દર્શન શીતકાલીન પ્રવાસ મુખીમઠ (મુખબા)માં કરી શકશે. ભાઇબીજના અવસરે 6 નવેમ્બરના રોજ બપોરે 12.15 વાગ્યે યમુનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવશે. યમુનાની ડોલી ખરશાલી ગામમાંથી શનિ મહારાજની ડોલી 6 નવેમ્બરે સવારે યમુનોત્રી પહોંચશે.
કેદારનાથ અને યમુનોત્રી ધામના દરવાજા પરંપરા મુજબ શનિવારે ભાઇબીજના શુભ અવસર પર શીતકાળ માટે બંધ રહેશે. કેદારનાથના કપાટ સવારે 8.30 કલાકે કપાટ બંધ થશે. બાબા કી ડોલી ધામથી ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ માટે પ્રસ્થાન કરી રાત્રી રોકાણ માટે રામપુર પહોંચશે. જ્યારે 7 નવેમ્બરે બાબાની ડોલી શીતકાલીન ગાદીસ્થાનમાં બિરાજશે. જ્યાં છ મહિના સુધી ભક્તો તેમના આરાધ્ય દેવતાના દર્શન અને પૂજા કરી શકશે.
માતા ગંગાની ડોલી આજે રાત્રે માર્કંડેય સ્થિત ભગવતી મંદિરમાં વિશ્રામ કરશે. ત્યાર બાદ શનિવારે ભાઇબીજ નિમિત્તે માતા ગંગાનો મૂર્તિ ઉત્સવ ડોલી સાથે મુખબા ગામે પહોંચશે માતા ગંગાની ડોલી શનિવારે બપોરે 12.15 કલાકે મુખબા પહોંચશે. પછી સ્થાનિક ગ્રામજનો ગંગાનું સ્વાગત કરશે. શનિવારથી ત્રણ દિવસ સુધી મા ગંગાની ભોગમૂર્તિ ગ્રામજનોના દર્શન માટે રાખવામાં આવશે.
યમુનોત્રી ધામના કપાટ 12:45 વાગ્યે બંધ થઈ જશે. ખરસાલીથી સમેશ્વર દેવતા (શનિદેવ)ની ડોલી બહેન યમુનાને લેવા ધામ પહોંચશે. ખરસાલીમાં માતા યમુનાનું મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવશે. કોવિડને કારણે અસરગ્રસ્ત ચારધામ યાત્રા આ વખતે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. શુક્રવાર સુધી લગભગ 34 હજાર ભક્તોએ મા યમુનાના દર્શન કર્યા હતા.