આજે શિવજીને પ્રસન્ન કરવાનો અનોખો અવસર. આ વર્ષે તા. 1 માર્ચ ને મંગળવારના રોજ એટલે કે આજે મહાશિવરાત્રિ પર્વ છે. ખગોળ- પંચાંગ ગણિતની દૃષ્ટિએ મહાશિવરાત્રિ વદ ચૌદશની રાત્રિ હોય તે દિવસે મનાવાય છે. તેથી પંચાંગ ગણિત મુજબ મહા વદ તેરસ તિથિ વહેલી સમાપ્ત થતી હોય ત્યારે વદ તેરસના રોજ મહાશિવરાત્રિ ઊજવાય છે.
પંચાંગ શાસ્ત્રાર્થની દૃષ્ટિએ દર માસની વદ ચૌદશ તિથિની રાત્રિને શિવરાત્રિ કહે છે. મહા માસની શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ. રાત્રિના સમયે મધ્યરાત્રિ પછીના પ્રહરમાં નિશીથકાળમાં શિવ મહાપૂજાનું વિશેષ મહત્ત્વ છે.
હિંદુ ધર્મમાં ત્રણ મહારાત્રિનું વિશેષ મહત્ત્વ છે
મહા માસની વદ ચૌદશની રાત્રિ- મહાશિવરાત્રિ યોગીઓની યોગ સિદ્ધિ માટે મહારાત્રિ છે. શ્રાવણ વદ આઠમ- કાલાષ્ટમી- જન્માષ્ટમીની મોહરાત્રિ ભક્તિમાર્ગની મહારાત્રિ છે. આસો વદ ચૌદશ – કાળી ચૌદશની કાળરાત્રિ મંત્રસિદ્ધિ માટે મહત્ત્વની મહારાત્રિ છે.
મહા વદ ચૌદશની રાત્રિ એટલે મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિની ધાર્મિક કથામાં આવતાં હરણિયા (મૃગશીર્ષ નક્ષત્રના તારાઓ) અને પારધી – શિકારી (વ્યાધનો તારો) ખગોળશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ મૃગશીર્ષ નક્ષત્રને અંગ્રેજી તથા લેટિન ભાષામાં ‘ઓરાયન’ કહે છે. સુપ્રસિદ્ધ રાજપુરુષ અને ખગોળ- ઇતિહાસના વિદ્વાન લેખક લોકમાન્ય ટિળક મહારાજે ‘ઓરાયન’ નામે અંગ્રેજી ભાષામાં ખગોળ ગ્રંથ લખેલો જે આજે પણ કાલમાપનશાસ્ત્રમાં શ્રાદ્ધેય ગણાય છે.
મહા (માઘ) માસનું રખેવાળ નક્ષત્ર મઘા છે. મઘા નક્ષત્રનો તારકસમૂહ ખેડૂતની દાતરડીનો આકાર ધરાવે છે. મૃગશીર્ષના તારા – તેની પાછળ તેજસ્વી વ્યાધનો તારો અને પારધીએ છોડેલા બાણ સ્વરૂપે ત્રણ સીધી લીટીના તારા તથા રોહિણી નક્ષત્રને આધારે આજે પણ ગામડાના ખેડૂતો શિયાળાની રાત્રિનો સમય નક્કી કરે છે.
નિશીથકાળ એટલે શું?
સમયમાપનમાં એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો એટલે અહોરાત્ર. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમયગાળો એટલે દિનમાન. સૂર્યાસ્તથી બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો એટલે રાત્રિમાન. દિનમાન અને રાત્રિમાન મળીને એક અહોરાત્ર (24 કલાક જેટલો સમય) થાય છે.
દિવસના ચાર પ્રહર હોય છે. રાત્રિના ચાર પ્રહર હોય છે. આમ 24 કલાકમાં આઠ પ્રહર હોય છે. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયગાળાના (રાત્રિમાનના) ચાર સરખા ભાગ કરીને પ્રહર (આશરે ત્રણ કલાકનો સમય) નક્કી થાય છે. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહરનો સમય નક્કી થાય છે.
શિવાલયમાં મહાશિવરાત્રિની પૂજા
શિવાલયમાં મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર પૈકી દરેક પ્રહરની પૂજા જુદાં જુદાં દ્રવ્યોથી કરવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રે (1) પ્રથમ પ્રહરમાં દૂધથી, (2) બીજા પ્રહરમાં દહીંથી, (3) ત્રીજા પ્રહરમાં ઘીથી અને (4) ચોથા પ્રહરમાં મધથી પૂજન તથા ફળથી અર્ધ્ય પ્રદાન કરવાનો મહિમા છે. મહાશિવરાત્રિના દિવસે ‘શિવ મહિમ્ન સ્તોત્ર’ કે ‘મહારુદ્રી’ના પાઠ કરવામાં આવે છે.