શોલેમાં એલઆઈસી ના કેલેન્ડરો વગરના રામગઢ માં સાવ અભણ ગબ્બર એક સીનમાં રઘવાયો થઈને ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ ‘બોસ, ફાગણ સુદ પૂનમ’ જેવો જવાબ નથી આપતા.હોળી ઢુંકડી છે અને પ્રદુષણના નામે આપણા તહેવારમાં ‘ચુટકીવાલી હોલી’ની ઘો ઘૂસી ગઈ જે ‘તિલક હોળી’ના નામે આજે પણ આપણને કનડે છે! એમ હોળી માં ક્યાંક ‘દીવાસલી હોલી’ ના ઘુસી જાય એ માટે આવો જાણીએ હોળી ની વૈદિક પ્રદુષણ મુક્ત પ્રયોગ વિધિ
ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ‘ઋતુનાં કુસુમાકર’ એટલે ઋતુઓમાં હું વસંત છું એમ કહેલ છે.
વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી.પ્રાચીન સમયથી એ ઋતુ-પરિવર્તનના તહેવાર તરીકે ઊજવાય છે. ‘નવસસ્યેષ્ટિ’ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી. શેકેલા અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે. આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કહેવાય છે. આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી જ તેનો ઉપયોગ કરતા. આમ, નવા અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર.
આવો નીચે પ્રમાણે વેદોક્ત શાસ્ત્રોક્ત પદ્ધતિથી હોલિકા દહન કરીને પ્રકૃતિ અને સમાજ ઉપયોગી વેદવિજ્ઞાનને સાચા અર્થમાં વ્યવહારમાં લાવીએ સાથે સાથે તેમાં થયેલ ખોટા મિશ્રણોને, દુષણ���ને ભગાડીએ.
• લાકડા-(વશિષ્ઠ સંહિતા) :આંબો, ઉમરડો, વડ, પીપળો, ખાખરો, ખેર, ચંદન(લાલ-સફેદ-પીળું એમ ત્રણ પ્રકારનું), અગરુ, ખીજડા, આકડો, તુલસી, લીમડો વગેરે માંથી જે મળે તેનું લાકડું (સુકું)
• ઔષધીદ્રવ્યો-(મદન રત્ન ગ્રંથ મુજબ) : ઘઉંના લીલા દાણા,જવ, સુકા મેવા,સાકર, ખજુર, ગળો, તજ, તાલીસપત્ર, ભોજપત્ર, મુનક્કા, લજામણી, શીતલ ચીની, ભીમસેની કપૂર, દેવદાર, લાલ ચંદન, નાગરમોથ, બીલીફ્લના સુકા ટુકડા, બાવચી, ખાખરાના બીજ ફૂલ , અગર તગર, કેસર, ઇન્દ્રયવ, ગુગળ, જાયફળ, ભોરીંગણી, હરડેફળ, ખસનામૂળ, પુષ્કરમૂલ, કમળકાકડી, જાવંત્રી, મજીઠ, કપુરકાચલી, તેજપત્ર, શંખપુષ્પી, ખસ, ગોખરું, ગોળ-સાકર, અઘેડો, કડવા લીમડાના પત્તા, એલચી, બાદીયા, તમાલ પત્ર, લવિંગ….આટલા માંથી જેટલા મળે તેટલા ઔષધો અને વિશેષ માત્રા માં દેશી ગાયના છાણા
• તેલ/ઘી : તલ નું તેલ, નીલગીરી તેલ, ઘનસાર યોગ અને ગાય નું ઘી….(જેટલા પ્રમાણ માં જોઈએ તેટલું)
• વિશિષ્ઠ : પંચગવ્ય, શ્રીફળ ,ધાણી, દાળિયા
• પ્રયોગવિધી – : સાયંકાળે શુભમુહૂર્તે નિશ્ચિત સ્થળે ખાડો ખોદવામાં આવે છે, જેમાં સૌપ્રથમ સાક્ષાત્ અગ્નિદેવને અર્પણ કરવાની ભાવના સાથે નવો શિયાળુ પાક (ઘઉં – ચણા) તથા સિક્કો મૂકેલ માટલું મૂકવામાં આવે છે. લાકડાં, ઘાસના પૂળા તથા છાણાથી હોળી ખડકવામાં આવે છે, જેની ટોચ ઉપર એક ધ્વજ પણ રાખવામાં આવે છે. રક્ષોઘ્ન મંત્ર ભણી કોઈ મંદિર માંથી અગ્નિ લાવી બાળક ના હાથે હોળી પ્રગટાવવી…
ઉપરોક્ત તમામ ઔષધોમાંથી જેટલા શુદ્ધ સ્વરૂપમાં મળે તેટલા લઈનેતે બધાથી ચોથા ભાગના દેશી ગાયનું ઘી સાથે મિશ્રણ કરીને એક વ્યક્તિએ પોતાની જમણા હાથની મુઠ્ઠી ભરીને વધુમાં વધુ ૬ વાર સુધી મહામૃત્યુંજયમંત્રથી સળગતા અગ્નિમાં હોમ કરવો.આમ વૈદિક વિધિવત્ ઉચ્ચારણ સાથે હોલિકાપૂજન થાય છે. સ્ત્રી-પુરુષો જળ ધારાવાડી કરતાં હોળીની પરિક્રમા કરવી…
• વૈજ્ઞાનિક તથ્યો:
જેમ હજારો વ્યક્તિની દાળમાં થોડીક જ હિંગનો વઘાર કરતા તે સુગંધિત થઇ જાય છે,થોડુક જ મરચું અગ્નિસંયોગને કારણે ખુબ મોટા વિસ્તારમાં તીવ્ર ગતિથી ફેલાઈ જાય છે તેમ સામગ્રીમાંના ઔષધી દ્રવ્યો સળગતા અગ્નિસંયોગથી પોતાની તીવ્ર અસરો કરે છે.આ એક નેનો ટેકનોલોજી નું સ્વરૂપ છે. કેમિકલયુક્ત દ્રવ્યો કે ખાંડ વિગેરે આજ પ્રમાણે તેની ખરાબ અસરો પણ તેજ રીતે તીવ્ર ગતિથી આપે છે.જેથી ખાંડ નાંખવી નહિ.દહન માટે વપરાતા સંપૂર્ણ સુકા લાકડા વાપરવાથી તે ઝડપથી અને પુરેપુરા સળગી જતા હોઈ કાર્બન મોનોક્સાઈડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરતા નથી.
• વિશેષ નોંધ-
આ હોળી માત્ર છાણાં-લાકડાંના ઢગલા બાળવાનો તહેવાર નથી, એ તો એની સાથે ચિત્તની દુર્બળતા દૂર કરવાનો, મનની મલિન વાસનાઓ,આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેતા અંત:શત્રુઓ, ખોટા વિચારો બાળવાનો પવિત્ર દિવસ છે. આ દિવસથી વિલાસી વાસનાઓનો ત્યાગ કરી ભગવાન પ્રત્યે પ્રેમ, સદભાવના, સહનુભૂતિ, ઇષ્ટનિષ્ઠા, નિર્ભયતા, સ્વધર્મપાલન વગેરે દૈવી ગુણોનો વિકાસ કરવો જોઇએ.
ને હોળી નો બીજો દિવસ ધૂળેટી એટલે ધુલીવંદના..જેમાં હોળી ની ભસ્મો કે ધૂળ ને પણ પૂજવામાં આવે છે…