મધ્યપ્રદેશ હાઇકોર્ટે જણાવ્યું છે કે જો બે વયસ્ક વ્યક્તિ લગ્ન કરીને કે લિવ-ઇનમાં રહેતા હોય તો કોઇના મોરલ પોલિસિંગની મંજૂરી નથી. જસ્ટિસ નંદિતા દૂબેએ જબલપુરમાં રહેતા ગુલઝારખાનના કેસમાં સુનાવણી કરતાં આ ચુકાદો આપ્યો હતો. ગુલઝારે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેણે મહારાષ્ટ્રમાં 19 વર્ષની આરતી સાહૂ સાથે લગ્ન કર્યા હતા. તે પછી આરતીએ પોતાની મરજીથી ધર્મપરિવર્તન પણ કરી લીધું. ગુલઝારનું કહેવું હતું કે આરતીના કુટુંબીજનો તેને જબરજસ્તી વારાણસી લઇ ગયા છે અને ઘરમાં બંધ કરી દીધી છે.
કોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓને યુવતીને તેના પતિને સુપરત કરવા ફરમાન કર્યું છે. આરતી સાહૂને 28 જાન્યુઆરીના રોજ એડવોકેટ જનરલે વીડિયો કોન્ફરન્સની મદદથી કોર્ટ સમક્ષ પેશ કરી હતી. તે વખતે સરકારી વકીલે મધ્યપ્રદેશ ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ, 2021 હેઠળ લગ્ન સામે વાંધો લીધો હતો. મધ્યપ્રદેશના આ કાયદા મુજબ માત્ર લગ્ન માટે જબરજસ્તીથી કોઇનું ધર્મપરિવર્તન નથી થઇ શકતું. તેના જવાબમાં કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે બે વયસ્ક વ્યક્તિ પારસ્પરિક સહમતીથી લગ્ન કરીને કે લિવ ઇનમાં સાથે રહેવા માંગતા હોય તો કોઇના મોરલ પોલિસિંગની જરૂર નથી.
બંધારણ મરજીથી રહેવાનો અધિકાર આપે છે
હાઇકોર્ટે તે વાતની નોંધ લીધી કે યુવતીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે અરજદાર યુવક સાથે તેણે મરજીથી લગ્ન કરેલા છે. તેણે યુવાન સાથે રહેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે યુવતી સગીરા છે અને બંને પક્ષોએ તેની ઉંમરના મુદ્દે કોઇ સવાલ નથી ઉઠાવ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે બંધારણ દેશમાં રહેનારા પ્રત્યેક નાગરિકને મરજી મુજબ જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. સ્થિતિને જોતાં સરકારી વકીલે લગ્ન સામે ઉઠાવેલો વાંધો અને કન્યાને નારી નિકેતન મોકલવાની અપીલ કોર્ટે ફગાવી દીધી હતી.