ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી બારોબાર રૂ. પાંચ કપાઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ આ પાંચ રૂપિયાનું દાન ભાજપને મળ્યો હોવાનો મેસેજ રવિવારે રાત્રે બે વાગ્યે મળ્યો હતો. મોડી રાત્રે મોબાઇલ ઉપર આવેલો આ મેસેજ જોઈ પૂર્વ વિપક્ષી નેતા ચોંકી ઊઠયા હતા.
પૂર્વ વિપક્ષ નેતા સહિત અસંખ્ય લોકોના એકાઉન્ટમાંથી આ રીતે બારોબાર નાણાં કપાઈ રહ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ સાથે જ કોંગ્રેસે ટોણો માર્યો છે કે, લોકો હવે ખિસ્સાને અલીગઢી તાળાં મારીને બહાર નીકળે.
5 રૂપિયા ભાજપને દાનમાં આપ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો મેસેજ મોબાઇલ પર આવતા પૂર્વ વિપક્ષી નેતા ચોંક્યા હતા. નેતાની જાણ બહાર બારોબાર કઈ રીતે નાણાં કપાયા તેવો સવાલ કોંગ્રેસે ઊભો કર્યો છે. સામાન્ય લોકોના ખાતામાંની આ રીતે નાણાં કપાયા હોવાનો કોંગ્રેસનો દાવો છે.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપવાળા સામાન્ય લોકોના ખિસ્સા ક્યારે કાપી જાય તે નક્કી નથી. હવે તો ખિસ્સાને અલીગઢી તાળાં મારવા પડે તેવી સ્થિતિ છે. ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપ પાર્ટી ફંડના નામે 5-5 રૂપિયા બારોબાર મોબાઇલના માધ્યમથી કાપી નાખે તે બાબત વાજબી નથી. બીજી તરફ પૂર્વ વિપક્ષી નેતા ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે સંકળાયેલા હોવા છતાં ભાજપવાળાએ પૈસા કાપી લીધા છે.