ટી-20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી કહી ચુક્યો છે કે આ મેચને પણ તેઓ અન્ય મેચ માફક સામાન્ય રીતે જ લઇ રહ્યા છે. પરંતુ કાશ્મીરમાં ચરમપંથીઓના હુમલાઓ વચ્ચે આ મેચ પહેલા જ ઘણા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. ભારતના કેટલાક નેતાઓએ પણ નિવેદન આપતા જણાવ્યું છે કે, આખરે આટલા તણાવ વચ્ચે પાકિસ્તાન સાથે મેચ રમવાની શું જરૂર છે. આ દરમિયાન પીસીબીના ચેરમેન રમીઝ રાજાએ પણ એક વીડિયો જાહેર કરી ક્રિકેટ ફેન્સને અપીલ કરી છે.
રમીઝ રાજાએ કરી અપીલ
રમીઝ રાજાએ કહ્યું,‘તમને ખબર છે મેચ આવી રહી છે. હું તમામ ફેન્સ પાસે એ ઇચ્છી રહ્યો છું કે તમે પાકિસ્તાન ટીમની પાછળ ઉભા રહો કારણ કે આ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. જો આપણે મેચ જીતીએ છીએ તો ઈંશાઅલ્લાહ જીતીશું પણ તો આપણી કોમ માટે એક સારો સંદેશ જશે. રમીઝ રાજાએ એવું પણ કહ્યું છે કે, જો પાકિસ્તાન આ મેચ જીતી જાય છે તો પાકિસ્તાનની જનતા તણાવભરી સ્થિતિ કરતા વધારે સારૂ અનુભવશે.
નોંધનિય છે કે, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમે થોડા સમય પહેલા પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. રમીઝ રાજા તેમના આ નિર્ણયથી ખુબ જ નારાજ થયો હતો. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોથી લઇ પાકિસ્તાની સરકાર અને ફેન્સ પણ ખુબ જ આહત થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રમીઝ રાજાએ પ્રસંશકોને અપીલ કરી છે કે પાકિસ્તાની ટીમને સપોર્ટ કરવાનું યથાવત રાખે.