ટી-20 વર્લ્ડકપની આજની મેચમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો થયો છે. ટીમ ઇન્ડિયાના એક પણ બેટ્સમેન આજની મેચમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. માત્ર 70 રનના સ્કોર સુધી ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. 20 ઓવરના અંતે 7 વિકેટ પર ટીમ ઇન્ડિયાએ 110 રન બનાવી કીવી ટીમને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આ મેચમાં ભારત માટે એક બોલર ખુબ જ ઘાતક સાબિત થયો હતો. જોકે કીવી બોલરે મેચ પહેલા જ ભારતીય બેટ્સમેનોને ગર્ભીત ચેતવણી પણ આપી હતી પરંતુ કદાચ આ બોલરની ચેતવણીને ભારતના બેટ્સમેનોએ અવગણી હતી.
આજની મેચમાં ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ પેસર ટ્રેન્ટ બોલ્ટે તરખરાટ મચાવ્યો હતો અને ભારતીય ટીમના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. રોહિત શર્માને બદલે ઈશાન કિશન કેએલ રાહુલ સાથે ઓપનિંગ માટે આવ્યો હતો. કિશન 4 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. બાદમાં હાર્દિક પંડ્યાની મહત્ત્વની વિકેટ પણ ટ્રેન્ટ બોલ્ટે લીધી હતી અને તેના પછી શાર્દુલ ઠાકુર પણ ટ્રેન્ટ બોલ્ટનો શિકાર થયો હતો.
મેચ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવર નાંખી હતી અને ટીમ ઇન્ડિયાની ત્રણ મહત્ત્વની વિકેટ પોતાના નામે કરી હતી, સાથે જ તેણે 4 ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા.
ટ્રેન્ટ બોલ્ટ નાના ફોર્મેટમાં દુનિયાના સૌથી ખતરનાક બોલરોમાંનો એક છે. બોલ્ટ ન્યૂઝીલેન્ડ માટે હંમેશાથી ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે. જ્યારે પણ કેન વિલિયમસનને વિકેટની આવશ્યક્તા હોય છે તો તે બોલ્ટને લાવે છે. બોલ્ટ એ પોતાની ઇનસ્વિંગથી મોટામાં મોટા ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા છે. તેની યોર્કર બોલિંગ હંમેશાથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મુશ્કેલીમાં મૂકે છે.