કોરોના મહામારી દરમિયાન શિક્ષકોને પગાર વધારો ન આપતા, ઘણાં શિક્ષકોએ સ્કૂલો છોડી હતી. જેથી સંચાલકોએ શિક્ષકો સ્કૂલો ન છોડે અને શિક્ષકોને મોંઘવારી અને ઇન્ક્રીમેન્ટ મળે તે માટે એફઆરસીમાં ફી વધારો માગ્યો હતો. ફી રેગ્યુલેશન કમિટીએ સ્કૂલોની દલીલને માન્ય રાખીને સ્કૂલોને ઇન્ક્રીમેન્ટનો વધારો માન્ય રાખ્યો છે. ફી કમિટીએ સ્કૂલોની નક્કી થયેલી પ્રોવિઝનલ બાદ ફાઇનલ ઓર્ડરમાં સ્કૂલોને 2500 સુધીનો વધારો આપ્યો છે. જેથી સ્કૂલો શિક્ષકોને યોગ્ય ઇન્ક્રીમેન્ટ આપી શકે. આ સાથે જ કમિટીએ સ્કૂલોના ઓર્ડરમાં એ પણ દલીલ આપી છે કે ઓનલાઇન એજ્યુકેશનને કારણે સ્કૂલોના ખર્ચમાં ઘટાડો થયો છે, જેથી સ્કૂલોના ઘણા ખર્ચ કમિટીએ માન્ય રાખ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના 2 વર્ષ દરમિયાન ફીની આવક નહીં હોવાની દલીલ કરી મોટાભાગની સ્કૂલોએ શિક્ષકોના પગારમાં 5થી 25 ટકા સુધીનો કાપ મૂક્યો હતો.
આ ઉપરાંત મોટાભાગની સ્કૂલોએ આરટીઇમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની ફીને સ્કૂલની ખોટ દર્શાવી છે. જેથી આરટીઇના વિદ્યાર્થીઓના અભ્યાસનો ખર્ચ બાકીના વાલીઓના ખભે ઉધારાયો છે. પરંતુ કમિટીએ મોટાભાગની સ્કૂલોનો આ ખર્ચ માન્ય રાખ્યો નથી. આ ઉપરાંત સ્કૂલો દ્વારા કરવામાં આવેલા સોશિયલ પ્રવૃત્તિ જેમ કે વિધવાના બાળકોને ફ્રી અભ્યાસ વગેરેનો ખર્ચ પણ સ્કૂલની ખોટ દર્શાવી છે. ફી કમિટીએ આ ખર્ચનો અમુક અંશ માન્ય રાખ્યો છે.
સંત કબીર સ્કૂલ: 7મુ પગાર પંચ લાગુ કરી દેવામાં આવ્યું હોવાથી ખર્ચ વધતાં ફી વધારો જરૂરી છે
એફઆરસીએ પ્રોવિઝનલ ફી જાહેર કર્યા બાદ થયેલી સુનાવણીમાં સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે દલીલ કરી હતી કે સ્કૂલમાં સાતમું પગાર પંચ લાગુ કરી દેવાયું છે. મોંઘવારી ભથ્થામાં બેઝિકના 3 ટકા વધારો બે વર્ષથી આપવામાં નથી આવ્યો, જેથી કુલ 6 ટકા વધારો આપવા 1,08,83,300ની જરૂર છે.
આ ઉપરાંત આરટીઈ વિદ્યાર્થીઓ અને ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓ પણ છે. પગાર ન વધતા સારા શિક્ષકો સ્કૂલ છોડી ગયા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રજ્ઞા પંડ્યાએ કહ્યું, આ બધા કારણો ઉપરાંત શિક્ષકોનો પગાર વધારવા ફી ધોરણ સુધારવાની માગ કરીએ છીએ.
વિભાગ | સ્કૂલે માગેલી ફી | પ્રોવિઝનલ ફી | ફાઇનલ ફી |
પ્રિ પ્રાઇમરી | 1,08,980 | 75,550 | 77,500 |
પ્રાઇમરી | 71,176 | 48,500 | 50,000 |
સેકેન્ડરી | 81,023 | 55,000 | 57,000 |
હાઇ સેકન્ડરી (સા.પ્ર) | 96,224 | 65,000 | 67,000 |
હાઇ સેકન્ડરી (વિ.પ્ર) | 96,224 | 65,000 | 67,000 |
નોંધ: વર્ષ 2021-22
રજૂ કરેલાં કારણો
મહારાજા અગ્રસેન વિદ્યાવિહાર: ખર્ચમાં વધારો થયો હોવાની અમારી દલીલ સ્વીકારી ફી વધારો અપાયો છે
પ્રોવિઝનલ ફીથી સ્કૂલને સંતોષ ન થતાં તેણે 2021-22ની ફી માટે નવેસરથી રજૂઆત કરી હતી. સ્કૂલની રજૂઆત પછી એફઆરસીએ ઓડિટ રિપોર્ટને આધારે પ્રોવિઝનલ ફીમાં વધારો કરવાનો ફાઇનલ ઓર્ડર કર્યો છે. સ્કૂલે કહ્યું કે, અમે સાતમા પગાર પંચનો અમલ કર્યો છે અને ઇન્ક્રીમેન્ટ અને મોંઘવારી ભથ્થાના રૂ.55,68,496/- તથા વર્ષ 2020-21 માટેના પગાર અને ભથ્થા પાછળના ખર્ચના રૂ. 93,54,792/- કમિટીએ માન્ય રાખ્યો છે.
ફાઇનલ ઓર્ડર અંગે સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, અમે કોવિડ પહેલા જ સાતમા પગાર પંચનો અમલ કરી દીધો હતો. તેથી પ્રોવિઝનલ ફી નક્કી થયા બાદ અમારે વધારો માગવા અમે છેલ્લા બે વર્ષના ખર્ચને ધ્યાને લેવાની દલીલ કરી હતી. ખર્ચને ધ્યાને લઇને પ્રોવિઝનલ બાદ ફાઇનલ ઓર્ડરમાં વધારો કર્યો.
વિભાગ | સ્કૂલે માગેલી ફી | પ્રોવિઝનલ ફી | ફાઇનલ ફી |
પ્રિ પ્રાઇમરી | 34,000 | 29,000 | 30,300 |
પ્રાઇમરી (ધો.1-2) | 35,800 | 30,000 | 31,500 |
પ્રાઇમરી (ધો.3-5) | 37,200 | 31,500 | 32,700 |
પ્રાઇમરી (ધો.6-8) | 38,500 | 32,500 | 33,900 |
સેકેન્ડરી (ધો.9-10) | 44,100 | 37,000 | 38,700 |
હા. સેકન્ડરી (સા.પ્ર) | 48,200 | 40,500 | 42,350 |
હા. સેકન્ડરી (વિ.પ્ર) | 52,200 | 44,000 | 46,000 |
હા.સેકન્ડરી (કમ્પ્યુટર) | 55,000 | 46,500 | 48,400 |
નોંધ: વર્ષ 2021-22