ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડવાના કેસમાં મદદ કરનાર વડોદરાના દંપતિ ભાસ્કર ચૌધરી અને રિદ્ઘિ ચૌધરીની ATSએ અટકાયત કરી હતી. ATSએ વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રમુખબજાર કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેકવાઝ ટેકનોલોજીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. અને તેના સંચાલક ભાસ્કર ચૌધરી અને રિદ્ઘિ ચૌધરીની અટકાયત કરી હતી. તે એજ્યુકેશનલ કન્સલ્ટિંગનું કામ કરે છે અને તે મૂળ બિહારનો છે.
વડોદરાના છાણી વિસ્તારમાં આલિશાન ફ્લેટ ધરાવે છે
પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધી ચૌધરી વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા આલિશાન લક્ઝરી ફ્લેટમાં ત્રીજા માળે વૈભવી ઘર ધરાવે છે. તેની કંપની સ્ટેકવાઈસ ટેક્નોલોજી ઓનલાઇન એક્ઝામિનેશન સેન્ટર, કોર્પોરેટ ટ્રેનિંગ, વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન પ્રોગ્રામ, રાજ્ય બહાર મેડિકલ કોલેજોમાં એડમિશન અપાવવા વગેરેની સર્વિસ આપતી હતી.
ભાસ્કર ચૌધરીએ દિલ્હીમાં પણ પાથવે નોલેજ સોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી. આ કંપનીની 2001માં સ્થાપના કરવામાં આવી હતી. જે વિવિધ ડિગ્રીઓના એડમિશન માટે ગાઇડન્સ પુરૂ પાડતી હતી. દર વર્ષે 2500 વિદ્યાર્થીઓના એડમિશન કરાવતો હોવાનો દાવો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન દિલ્હી અને NCR રાજ્યોમાં એડમિશન અપાવતો હતો.
લાખો યુવાનોની મહેનત પર પાણી ફેરવ્યું
છેલ્લા બે વર્ષથી ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી રહેલા રાજ્યના 9.50 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા. પરંતુ આ ઉમેદવાર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા જ વહેલી સવારે 6 વાગ્યે સરકારે જાહેરાત કરી કે, આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, જેથી પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. આ જાહેરાત ઉમેદવારો સુધી પહોંચતા લાખો ચહેરાઓ પર નિરાશા છવાઈ ગઈ હતી. તેમની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
રાત્રે ક્લાસીસ સંચાલક દંપતિની ATS અટકાયત કરી હતી
ATS છેલ્લા એક સપ્તાહથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરતી ગેંગનું પગેરું મેળવી તેને ટ્રેપ કરવાની કવાયતમાં હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે વડોદરાની અપ્સરા હોટલમાંથી બે શખ્સોને પકડી લીધા બાદ ATSની ટીમ તેમની પૂછપરછ કરી તેઓ કોને પેપર આપવાના હતા તે અંગે માહિતી મેળવી હતી. જે���ા આધારે રાત્રે 2 વાગ્યે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખ બજાર કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેકવાઝ ટેકનોલોજીની ઓફિસ પર દરોડો પાડ્યા હતા. જ્યાંથી તેના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ઘિ ચૌધરી સહિત ત્યાં હાજર સાગરીતોની ATS દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.