ભાજપ શ્રી કમલમ્માં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બુધવારે ખેતી બેંકના દેવાદાર ખેડૂતો માટે 25 ટકા ભરી સંપૂર્ણ દેવા માફીની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે મંજૂરી આપ્યાનું મીડિયા સમક્ષ જાહેર કર્યુ હતુ. બાદમાં ‘સંદેશ’એ ખેતી બેંકમાં તપાસ કરતા25 ટકા દેવા માફીની જાહેરાત સાવ બોગસ હોવાનું બહાર આવ્યુ હતુ. કહેવાય છે કે, બેંકના ચેરમેન ડોલર કોટેચાએ ભાજપનાપાટીલને કાગળ પકડાવીને 50 હજાર ખેડૂતો માટે રૂ.150 કરોડની રાહત યોજના જાહેર કરાવી, જે એક રીતે ખેડૂતોની આંખમાં ધુળ નાંખવા સમાન છે.
ગુજરાતમાં બેંકો સહિતની સહકારી સંસ્થાઓ, સરકારમાં જાતિ સમુહના ઉત્કર્ષ માટે કાર્યરત બોર્ડ- નિગમો દ્વારા દાયકાઓથી બાકી લ્હેણા વસૂલવા વન ટાઈન સેટલમેન્ટ- OTS સ્કિમ લોન્ચ થાય છે. પરંતુ, ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાં જાણે પહેલી વ્યાજ દેવા માફીની યોજના જાહેર કર્યાની માઈલેજ લેવા ચેરમેન ડોલર કોટેચાએ અમદાવાદ સ્થિત ખેતી બેંકને ભાજપ હેડક્વાર્ટરમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલને તેના ઠરાવનો કાગળ સોંપ્યો હતો. જેની જાહેરાત બાદ દિવસભર ન્યુઝ ચેનલો અને સોશિયલ મિડીયામાં વાહવાહી મેળવવાના નિરર્થક પ્રયાસો થયા હતા.
ખેતી બેંક દ્વારા તમામ જિલ્લા મેનેજરોને મોકલેલા આદેશ પત્રમાં ક્યાંય 25 ટકા રકમ ચૂકવીને સંપૂર્ણ દેવુ માફી કરવાની બાબતનો ઉલ્લેખ નથી. હકિકતમાં OTS સ્કિમના મૂળભૂત સિંધ્ધાંતો અને અગાઉની યોજનાઓની જેમ વ્યાજની ઉપરનું વ્યાજ (ચક્રવૃધ્ધી વ્યાજ જેને ખેડલ મુદ્દલનું વ્યાજ પણ કહેવાય છે) તે માફ કરીને મૂળ મુદ્દલ અર્થાત બાકી રકમ પર સાદુ વ્યાજ વત્તા સરચાર્જ, લીગલ ખર્ચ અને અન્ય ચાર્જની કુલ રકમના 25 ટકા ભરપાઈ કરીને બાકીના 75 ટકા બાકી રકમને છ મહિનામાં બે હપ્તા લેખે એમ 12થી 36 મહિનાની મુદ્દત આપવાનો નિર્ણય થયો છે. આ યોજનાને જ રાજ્યના સહકાર વિભાગે મંજૂર કરી છે. એમ છતાંયે દેવા માફ થઈ રહ્યા હોય તેવો ડોળ ખેડૂતોમાં ઉભો થઈ રહ્યો છે.
ગુજરાતમાં માત્ર ખેતીબેંકમાં જ 51,541 ખેડૂતોના માથે રૂ.425 કરોડનું દેવુ છે. તેમાંથી છ વર્ષથી વધુ સમયથી જેઓ દેવુ ચૂકવવામાં અસમર્થ રહ્યા છે તેવા 33,095 ખેડૂત ખાતે પાસેથી આ એક જ બેંકને રૂપિયા 240 કરોડ 36 લાખ વસૂલવાના થાય છે. આ સિવાય જિલ્લા મધ્યસ્થ બેંકોના ખેડૂત દેવાદારોની સંખ્યા અનેકગણી હોઈ શકે છે.
ખેડૂતોના દેવામાં વ્યાજ માફી બે પ્રકારની ફોર્મ્યુલાથી થશે !
માર્ચ- 1997 કે તે પહેલાથી જે ખેડૂતોને દેવું ચૂકવવાનું બાકી છે તેમના માટે મુદ્દત વિત્યા બાદ વસૂલાતની તારીખ સુધી મહત્તમ 10 ટકા કે ધિરાણ દર પૈકી જે ઓછુ હોય તે દરે વ્યાજની ગણતરી કરી ખાતુ ચૂકતે થઈ શકશે. જ્યારે એપ્રિલ- 1997થી જૂન- 2015 સુધીમાં મુદ્દત વિત્યાની તારીખે બાકી રહેલી મુદ્દલ ઉપર વસૂલાતની તારીખ સુધીના સમયનું 12 ટકા સળંગ સાદુ વ્યાજ અથવા ધિરાણ વ્યાજનો દર એ બે પૈકી જે ઓછુ હોય તે વ્યાજના દરે સાદુ વ્યાજ ગણીને ચૂકવણી થઈ શકશે. આ બેઉ ફોર્મ્યુલામાં નિયમાનુસાર સરચાર્જ, લીગલ ખર્ચ અને અન્ય ચાર્જીસ તો દેવાદાર ખેડૂતો પાસેથી વસૂલાશે જ !