આખા વિશ્વમાં હડકંપ મચાવનાર ઓમિક્રોન વેરિએન્ટ હવે ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. કોરોનાના નવા ઘાતકરૂપ ઓમિક્રોનના એક બાદ એક શંકાસ્પદ કેસો ગુજરાતમાં પણ નોંધાઇ રહ્યા છે. જામનગર, અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ આ ઘાતક વેરિએન્ટના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. સાઉથ આફ્રિકાથી આવેલા 2 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે શરૂઆતી લક્ષણોથી આ બે ઇસમોમાં કોરોનાનો નવો ઘાતક ઓમિક્રોન હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી તકેદારીના ભાગ સ્વરૂપે બંને ઇસમોના સેમ્પલ પુણા ટેસ્ટિંગ માટે મોકલાયા છે.
જણાવી દઇએ કે, દેશમાં કર્ણાટકમાં આ ઘાતક વાયરસના બે કેસ નોંધાઈ ચુક્યા છે. જામનગર શહેરના મોરકંડા રોડ પર રહેતા અને ચાર દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી પરત આવેલા એક વ્યક્તિને સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોવાનું જાહેર થયું હતું.
આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક ઇસમમાં આ ઘાતક નવા વેરિએન્ટના લક્ષણો હોવાથી તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે આ ઇસમ ઓમિક્રોનથી સંક્રમિત નથી તેવી પુષ્ટી થઇ છે.
જણાવી દઇએ કે, દેશના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ ચેકઅપ કરાયું કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી. કોરોનાગ્રસ્ત વ્યક્તિ દેશના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકાના દેશો તરફથી પરત આવી રહેલા ભારતીય લોકોની કોરોનાના નવા વેરીએન્ટને લઈને કોઈ ચકાસણી થતી નથી, તોજ આ વ્યક્તિ પોતામા શહેર સુધી પહોંચી શકે છે.