દિવસે ને દિવસે વધુ ભીષણ થઈ રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પ્રતિબંધિત હથિયારોની પણ એન્ટ્રી થવા લાગી છે. અમેરિકા ખાતેના યુક્રેનના એલચીએ આરોપ લગાવ્યો છે કે રશિયા હવે તેમના પર ‘વેક્યુમ બોમ્બ’નો મારો ચલાવી રહ્યું છે. યુક્રેનના આક્ષેપ પ્રમાણે, રશિયાએ ઉત્તર યુક્રેનમાં આવેલી એક પ્રીસ્કૂલના બિલ્ડિંગ પર આ વેક્યુમ બોમ્બ ફેંક્યો છે, જેમાં સેંકડો નાગરિકો આશ્રય લઈ રહ્યા હતા.
જે સ્થળે ખાબકે ત્યાંનો ઓક્સિજન ચૂસી લઇને પ્રચંડ તાપમાન ધરાવતા ધડાકાનું મોજું સર્જે એવા આ ‘વેક્યુમ બોમ્બ’નો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમલી બનેલી ‘જીનિવા કન્વેન્શન ટ્રિટી’ પણ આ પ્રકારના બોમ્બના ઉપયોગને ‘વોર ક્રાઇમ’ની કેટેગરીમાં મૂકે છે. માનવતાની બર્બરતાપૂર્વક હત્યા કરતા આ રશિયમ કૃત્યને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, હ્યુમન રાઇટ્સ વૉચ સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે.
શું છે ‘વેક્યુમ બોમ્બ’?
ટેક્નિકલ ભાષામાં આ પ્રકારના શસ્ત્રને ‘થર્મોબૅરિક વેપન’ અથવા તો ‘એરોસોલ બોમ્બ’ કહે છે. T-72 પ્રકારની ટેન્કની પીઠ પર લાદીને ગમે ત્યાં આસાનીથી ટ્રાન્સપોર્ટ કરી શકાય એવી ‘મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ’ (MLRS) દ્વારા આ વેક્યુમ બોમ્બનો મારો ચલાવી શકાય છે. રશિયાએ આ સિસ્ટમને TOS-1A અથવા તો ‘હેવી ફ્લેમથ્રોઅર’ નામ આપ્યું છે.
કોઈ મિસાઇલની જેમ ત્રાટકતા આ બોમ્બ બે તબક્કામાં કામ કરે છે. લેસર કેમેરાની મદદથી નક્કી કરેલા લોકેશન પર ખાબકતી વખતે પહેલા ધડાકામાં આ બોમ્બમાંથી કાર્બનબેઝ્ડ અત્યંત જ્વલનશીલ ગેસનો વરસાદ વછૂટે છે. આ ગેસ વાતાવરણના ઓક્સિજન સાથે ભળે છે. બીજા તબક્કામાં આ ગેસને સળગાવવામાં આવે છે. એ સાથે જ ટાર્ગેટ લોકેશન પર એક વિનાશક ફાયરબોલ એટલે કે અગનગોળો સર્જાય છે. આ અગનગોળો પ્રચંડ શૉકવેવ સર્જે છે. એ સાથે જ એ વિસ્તારનો ઓક્સિજન ચૂસી લે છે, એટલે વેક્યુમ યાને કે શૂન્યાવકાશ સર્જાય છે.
આ બ્લાસ્ટથી સર્જાતું શૉકવેવ રેગ્યુલર બોમ્બ કરતાં ક્યાંય વધુ લાંબું ચાલે છે અને એની અડફેટે આવતી ઇમારતોને પણ ધ્વંસ કરી નાખે છે. એનાથી સર્જાતું ઊંચું તાપમાન કેવું વિકરાળ હશે એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે એમાં રહેલા માણસો એ જ ક્ષણે વરાળ બની જાય છે. ધારો કે અમુક એરિયામાં આગ ન પહોંચી હોય તોપણ જ્વલનશીલ ગેસ ત્યાં રહેલી વ્યક્તિઓનાં ફેફસાંમાં જઇને એને ફાડી નાખે છે અને પાછળથી આવતું પ્રચંડ ગરમીનું મોજું તેમને ભયંકર રીતે દઝાડી દે છે. ઇથિલિન ઓક્સાઇડ, પ્રોપિલિન ઓક્સાઇડ જેવા ઝેરી ગેસ બાકીનું કામ પૂરું કરે છે.
આ બોમ્બથી પ્રત્યેક સ્ક્વેર ઇંચમાં 200 કિલોગ્રામનું પ્રચંડ પ્રેશર સર્જાય છે. ‘નોર્મલ’ બોમ્બ ગ્રાઉન્ડ ઝીરો પર આના કરતાં માંડ અડધું પ્રેશર સર્જે છે. સરખામણી માટે સમજી લો કે નોર્મલ સંજોગોમાં પ્રત્યેક ચોરસ ઇંચદીઠ હવાનું પ્રેશર 6 કિલોગ્રામ જેટલું હોય છે. યાને કે આ બોમ્બની અડફેટે આવ્યા કે શરીર ક્ષત-વિક્ષત થવું નક્કી છે.
ખાસ કરીને ઇમારતોના બેસમેન્ટમાં, બંકરોમાં કે સબવે પ્રકારની ટનલોમાં આશરો લઈ રહેલા લોકોને નેસ્તનાબૂદ કરવા માટે આ બોમ્બ ભારે ‘કાર્યક્ષમ’ નીવડે છે, કેમ કે પહેલા તબક્કામાં વછૂટતો જ્વલનશીલ ગેસ ઇમારત-ટનલ-બંકરમાં ખૂણેખાંચરે આસાનીથી ઘૂસી જાય છે અને એને પગલે પગલે અગનજ્વાળાઓ પણ પહોંચી જાય છે. આ વેક્યુમ બોમ્બ અલગ અલગ સાઇઝમાં અને લોન્ચિંગ વેરાઇટીમાં બનાવી શકાય છે. યાને કે એને ટેન્કમાંથી જમીન પરથી પણ દાગી શકાય છે અને ફાઇટર પ્લેનમાંથી પણ દાગી શકાય છે. બોમ્બની સાઇઝ પ્રમાણે એનાથી સર્જાતાં ફાયરબૉલની વિનાશકતા નક્કી થાય છે. જનરલી 3200 બાય 32 મિલીમીટરના નળાકારમાં આ બોમ્બનો વિનાશક ‘મસાલો’ ભરવામાં આવે છે. માત્ર છ-છ સેકન્ડના અંતરે આ બોમ્બ ફાયર કરી શકાય છે.
અમેરિકાનું પાપ છે ‘વેક્યુમ બોમ્બ’
‘હ્યુમન રાઇટ્સ વૉચ’ના 2000ના રિપોર્ટ પ્રમાણે, ‘ફ્યુઅલ એર એક્સપ્લોઝિવ’ તરીકે પણ ઓળખાતા આ વેક્યુમ બોમ્બ સૌથી પહેલાં અમેરિકાએ ડેવલપ કર્યા હતા. સૌથી પહેલા એનો ઉપયોગ અમેરિકાએ ‘વિયેતનામ વૉર’ (1955-1975)માં કર્યો હતો. ત્યાર બાદ અમેરિકાએ જ 1990-91માં ઇરાક સામે લડેલી ‘ગલ્ફ વૉર’માં કર્યો હતો. સોવિયેત રશિયાએ અગાઉ ચેચન્યામાં પણ આ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.
2002માં 9/11નો બદલો લેવા માટે અને ઓસામા બિન લાદેનને જેર કરવા માટે અમેરિકાએ આદરેલા ‘વૉર ઓન ટેરર’માં પણ આવા બોમ્બ વપરાયા હતા. અફઘાનિસ્તાનના ગાર્દેઝ અને તોરા-બોરા વિસ્તારની ગુફાઓમાં છુપાયેલા અલ-કાયદા અને તાબિલાની આતંકીઓને પતાવી દેવા માટે અમેરિકન એરફોર્સે 910 કિલોગ્રામનો એક એવા વેક્યુમ બોમ્બનો મારો કર્યો હતો.
છેલ્લા એક દાયકાથી ચાલી રહેલા રશિયન સિવિલ વૉરમાં પણ રશિયા અને સિરિયાની સરકારોએ વિદ્રોહીઓનો નાશ કરવા માટે આ બોમ્બનો ઉપયોગ કરતી આવી છે.
ભારત પાસે પણ છે વેક્યુમ બોમ્બ
ભારતની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (DRDO)ની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે આપણી પાસે અર્જુન ટેન્ક પર લાદીને ફાયર કરી શકાય તેવા 120 mmના વેક્યુમ બોમ્બ છે. આપણે ત્યાં એનું ટેક્નિકલ નામ ‘પેનિટ્રેશન કમ બ્લાસ્ટ એન્ડ થર્મેબૅરિક એમ્યુનિશન’ (PCB/TB) છે. આ બોમ્બ મિલીસેકન્ડમાં જ અત્યંત નક્કર એવા કોન્ક્રીટનાં બંકર-બિલ્ડિંગ ટાર્ગેટને પણ ધ્વસ્ત કરવા સક્ષમ છે.