વધી રહેલી મોંઘવારી, અનાજ, દૂધ જેવી ચીજવસ્તુની અછત, દુકાનો પર લાગતી લાંબી કતારો, ટિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં થઈ રહેલી લૂંટફાટ, રાજકીય દ્વંદ્ધ અને હિંસા, સરકાર વિરોધી દેખાવો, વિવિધ શહેરોમાં ચાલી રહેલા રમખાણોથી શ્રીલંકાની સામાન્ય જનતા ત્રસ્ત છે. શ્રીલંકાની સ્થિતિ વિશે વિશ્વભરના લોકો ચિંતા સેવી રહ્યા છે. ખોટા આર્થિક નિર્ણયો, સસ્તા વ્યાજદર, ફ્રી યોજનાઓ અને 50 અબજ ડોલરના વિદેશી દેવાની જાળમાં ફસાયેલું શ્રીલંકા દેવાળિયું થવાની કગાર પર છે. લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. લોકો રસ્તાઓ પર સરકાર વિરોધી દેખાવો કરી રહ્યા છે. વડાપ્રધાન રાજીનામું આપી ચૂક્યા છે. ઠેર ઠેર હિંસા ફાટી નીકળતાં સૈન્ય ગોળીબાર કરી રહ્યું છે. 1948માં આઝાદ થયેલું શ્રીલંકા પહેલી જ વાર આવા સંકટનો સામનો કરી રહ્યું છે.
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે વધતા રહેલા વિદેશી દેવા અને વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં રાજપક્સે સરકારે વેરાકીય બોજો ઘટાડવા આપેલું વચન નિભાવવા જતાં શ્રીલંકા સંકટમાં ફસાઈ ગયું છે. લોટ, દૂધ અને દવાઓની કિંમત હજારો રૂપિયામાં પહોંચી ચૂકી છે. આટલી કિંમત ખર્ચવા છતાં પણ વસ્તુની અછત વર્તાતા લોકો હિંસા આચરવા લાગ્યા. સ્થિતિ એ આવી કે 12-12 કલાક વીજકાપની નોબત આવી, ફુગાવા દર 17 ટકાથી ઉપર પહોંચી ગયો, જરૂરી ચીજવસ્તુની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણનું તળિયું આવી ગયું અને રોકાણકારો અને પર્યટકો પણ શ્રીલંકાથી અંતર જાળવવા લાગ્યા.
શ્રીલંકાના આ સંકટે લોકોને વેનેઝુએલા અને ગ્રીસ જેવા દેશોએ દેવાળું ફૂંક્યું તે દિવસોની યાદ અપાવી દીધી. આ દેશોમાં સિસ્ટમ અચનક ફેલ થઈ ગઈ હતી અરાજકતા સર્જાઈ ગઈ. આ દેશોની કરન્સીનું મૂલ્ય શૂન્ય થઈ ગયું. લોકોના ઘરમાં પડેલા નાણાં કાગળના ઢગલા બની રહ્યા હતા. આ એવી સ્થિતિ હતી કે એક કિલો અનાજ માટે લોકો હજારો રૂપિયા ખર્ચતા હતા. આવા જ કેટલાક દેશોના સંકટો વિશે જાણકારી મેળવીએ.
1840અમેરિકાના 19 રાજ્યો ડિફોલ્ટર બનવાના હતા
અમેરિકામાં 1840ના દાયકામાં નહેરોના નિર્માણ માટે મોટા પ્રોજેક્ટ શરૂ થયા હતા. સરકારે 8 કરોડ ડોલરનું દેવું લઈને કામ શરૂ કર્યું હતું. તે વખતે અમેરિકાના 19 રાજ્યો દેવાની જાળમાં ફસાઈ ગયા હતા. નવી બેન્કોની સ્થાપના માટે સરકારી મૂડી ખર્ચ થતાં પણ આર્થિક સંકટ વધ્યું. આર્થિક પ્રતિબંધોનો દોર શરૂ થતાં લોકોએ હાડમારી ભોગવી પડી હતી.
1994ચલણનું અવમૂલ્યન : મેક્સિકો હચમચી ગયું
1994માં મેક્સિકોમાં એવી સ્થિતિ સર્જાઈ કે સરકારે ડોલર મુકાબલે પોતાના ચલણનું 15 ટકા અવમૂલ્યન કરવું પડયું. વિદેશી રોકાણકારો નિકાસી કરવા શેરો વેચવા લાગ્યા. તેને પગલે ડીજીપી પાંચ ટકા ગગડી ગયો. દેશને 80 અબજ ડોલર જેટલું દેવું કરવું પડયું. આ સંકટમાંથી મેક્સિકોને ઉગારવા માટે આઇએમએફ, કેનેડા, અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશોએ બેલ આઉટ પેકેજ આપ્યા ત્યારે મેક્સિકોની આર્થિક સ્થિતિ ધીરે ધીરે સ્થિર થઈ.
1998જ્યારે રશિયા પણ કંગાળ બની ગયું હતું
1991માં સોવિયેત વિઘટન પછી અનેક વર્ષો સુધી રશિયા દેવામાં ડૂબેલું રહ્યું હતું. 1998 આવતાં આવતાં તો રશિયા દેવાળું ફૂંકે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. રશિયાને પોતાની કરન્સીનું અવમૂલ્યન કરવું પડયું. ડિફોલ્ટની સ્થિતિ આવતાં 5 અબજ ડોલરના વ���દેશી હૂંડિયામણનું નુકસાન ઉઠાવવું પડયું. શેરબજાર ગગડી ગયું. એક સમયે તો શેરબજાર બંધ કરવાનો વારો આવ્યો. લોકોએ આ સમયમાં ખૂબ હાડમારીનો સામનો કરવો પડયો.
2008નોર્ડિક દેશ આઇસલેન્ડ બન્યું ડિફોલ્ટર
વર્ષ 2008માં નોર્ડિક દેશ આઇસલેન્ડની ત્રણ બેન્ક 85 અબજ ડોલરની દેવા ચુકવણીમાં ડિફોલ્ટર પુરવાર થઈ. બેન્કોએ દેવાળું ફૂંકતા આઇસલેન્ડનું અર્થતંત્ર હચમચી ગયું. દેશમાં કરન્સીનું સંકટ સર્જાતા, લોકોની રોજગારી જવા લાગી. લોન ચુકવણીમાં લોકો નિષ્ફળ જવા લાગ્યા. લોકોની બચત ખતમ થઈ ગઈ અને રોજગારીનું સંકટ આવી પડયું. ઉદારીકરણના દોરમાં આ ખાનગી બેન્કોને છૂટછાટ આપવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ હતી. ખાનગી બેન્કોએ સરળ ગેરંટી અને શરતે લોકોને મોટા પાયે ધિરાણ આપી દેતાં આ સંકટ સર્જાયું હતું.
2001ગ્રીસમાં ભૂખમરાની સ્થિતિ
ગ્રીસે વર્ષ 2001માં પોતાની કરન્સીને સ્થાને યૂપો કરન્સી અપનાવ્યા પછી સંકટમાં ફસાતું ગયું. સરકારી કર્મચારીઓના વધતા વેતન અને સરકારી ખર્ચ વધતાં વર્ષ 2004 સુધીમાં તો સરકાર દેવામાં ડૂબી ગઈ. તે પછી વર્ષ 2004માં એથેન્સ ઓલિમ્પિક માટે 9 અબજ યૂરો ખર્ચ કર્યા પછી તો ગ્રીસ મહાસંકટમાં ફસાઈ ગયું. વર્ષ 2008ની વૈશ્વિક આર્થિક મંદીએ ગ્રીસને મોંઘવારીની જાળમાં ફસાઈ ગયું. દેશમાં રોજગારી છીનવાઈ ગઈ, શેરબજાર ક્રેશ થઈ ગયું. ગ્રીસવાસીઓને સ્થિતિમાંથી બહાર આવતાં વર્ષો લાગ્યા હતા.
2017વેનેઝુએલાનું ચલણ કાગળના ટુકડા સમાન થઈ ગયું
વર્ષ 2017માં વેનેઝુએલા આર્થિક સંકટમાં ફસાતા દેશને દેવાળિયો જાહેર કરવો પડયો હતો. વિદેશી દેવા અને ખોટા આર્થિક નિર્ણયોને કારણે કરન્સીની સ્થિતિ એટલી નબળી થઈ ગઈ કે સરકારને 10 લાખ બોલિવરની નોટ પણ છાપવી પડી. ચલણનું મૂલ્ય એટલું નીચું થઈ ગયું કે લોકોને 500 ગ્રામ બોનલેસ ચિકન માટે 2.94 ડોલર તો 12 ઈંડાં માટે 2.93 ડોલર ચૂકવવાનો વારો આવ્યો હતો.
2020આર્જેન્ટિના દેવાદાર થઈ ગયું
દક્ષિણ અમેરિકાનો દેશ આર્જેન્ટિના વર્ષ 2020માં અચાનક કંગાળ થઈ ગયો. વિદેશી રોકાણકાર રોકાણ માટે પોતે ખરીદેલા બોન્ડના 1.3 અબજ ડોલર પાછા માંગવા લાગ્યા. બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ આ દેવું ભરવા ઇનકાર કરી દીધો. આર્જેન્ટિનાએ પોતાની આ સ્થિતિ માટે અમેરિકાને દોષિત ઠેરવ્યું. વર્ષ 2000-01 દરમિયાન પણ આર્જેન્ટિના દેવાળિયાપણાનો સામનો કરી રહ્યું હતું. આ ઘટનાક્રમે લોકોને બેહાલ કરી દીધાં.