કેન્દ્ર સરકારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશની બધી જ મહિલાઓને આ વિશેષ ભેટ આપી છે. આ સિવાય મોદી સરકારે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને પણ રૂ. 200ની વધારાની છૂટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડર રૂ. 200નો ઘટાડો કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, રક્ષાબંધનના તહેવાર પહેલાં આ ઘટાડો બહેનોને જીવનમાં વધુ રાહત આપશે.
અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી
કેન્દ્ર સરકારે મંગળવારે રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. 200નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયનો અમલ આજે રક્ષાબંધનના દિવસથી જ થઈ જશે, જેને પગલે હવે નવી દિલ્હીમાં એલપીજીના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 1,103થી ઘટીને રૂ. 903 થઈ જશે. વધુમાં ઉજ્જવલા લાભાર્થીઓને હાલ એલપીજી સિલિન્ડર પર રૂ. 200ની સબસિડી મળે છે, જેને પગલે તેમને એલપીજી ગેસનો બાટલો પ્રતિ સિલિન્ડર રૂ.400 ઘટીને રૂ. 703ના ભાવે મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ અંદાજે 33 કરોડ જેટલા એલપીજી ગ્રાહકોને મળશે.
દેશમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોને ભેટ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોને ભેટ આપવાના આશયથી સરકારે ભાવમાં ઘટાડો કર્યો છે. સરકાર વધુ 75 લાખ ઉજ્જવલા કનેક્શન પૂરા પાડશે, જેથી કુલ પીએમયુવાય લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થઈ જશે. હાલ પીએમયુવાય લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) 2016માં વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ દેશમાં ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રીની જાહેરાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, રક્ષાબંધનનો તહેવાર પરિવારમાં ખુશીઓ વધારવાનો છે. ગેસના ભાવમાં ઘટાડાથી મારા પરિવારમાં બહેનોને વધુ રાહત મળશે અને તેમનું જીવન સરળ બનશે. ઈશ્વર બધી જ બહેનોને સુખી અને સ્વસ્થ રાખે તેવી મારી પ્રાર્થના.
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી 15મી ઑગસ્ટે કહ્યું હતું તે સરકારે મોંઘવારીને નિયંત્રિત કરવા અથાગ પ્રયત્નો કર્યા છે. સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત અપાવવા વધુ પગલાં ઉઠાવવા પડશે અને અમે એવું કરીને રહીશું. તેમણે ઉમેર્યું હતું કે ઊંચા ફુગાવા અને યુક્રેન યુદ્ધના કારણે આખી દુનિયા મોંઘવારીનો સામનો કરી રહી છે. પરંતુ આપણી સ્થિતિ થોડીક વધુ સારી છે.