ઉત્તર પ્રદેશના બાંદામાં ચોરીની એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં પહેલા તો ચોરોએ વેલ્ડીંગની દુકાનમાંથી હજારોની કિંમતના માલસામાન પર હાથ સાફ કર્યો હતો પરંતુ પાછળથી પીડિતની મુશ્કેલીઓ જાણ્યા પછી ચોર ખૂબ જ ભાવુક પણ થઈ ગયા હતા. ચોરોએ એક પછી તમામ સામાન પાછો મુક્યો હતો અને માફી માંગતો પત્ર લખ્યો હતો.
આ ઘટના પાછળ ખોટી માહિતી જવાબદાર હતી. ચોરોએ આ માટે ચોરીનો માલ કોથળા અને બોક્સમાં પેક કરીને એક કાગળ પર માફીપત્ર લખીને ચોંટાડી દીધું. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચોરીને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે કે આવુ પણ થઇ શકે છે.
મળતી માહિતી મુજબ, જિલ્લાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રાયલ ગામમાં રહેતો દિનેશ તિવારી આર્થિક રીતે ખૂબ જ ગરીબ છે. થોડા સમય પહેલા તેણે વ્યાજે 40 હજાર રૂપિયાની લોન લઈને વેલ્ડીંગનું નવું કામ શરૂ કર્યુ હતું.
હંમેશની જેમ 20 ડિસેમ્બરની સવારે જ્યારે તે પોતાની દુકાન ખોલવા પહોંચ્યો તો દુકાનના તાળા તૂટેલા અને ઓજારો સહિત અન્ય ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું જણાયું. દિનેશે બિસંડા પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર ન મળવાને કારણે કેસ નોંધી શકાયો નહોતો. 22 ડિસેમ્બરે દિનેશને ગામના લોકો પાસેથી ખબર પડી કે તેનો સામાન ઘરથી થોડે દૂર એક ખાલી જગ્યાએ પડ્યો છે. ચોરોએ દિનેશનો સામાન ગામમાં જ એક ખાલી જગ્યાએ ફેંકી દીધો હતો.
ખોટી માહિતી મળી ચોરને
ચોરોએ પરત કરેલી વસ્તુ સાથે એક નોટ લખી હતી, જેમાં લખ્યું હતું, “આ દિનેશ તિવારીનો સામાન છે. અમને બહારના લોકો પાસેથી તમારા વિશે જાણ થઇ અમને કહેવામાં આવ્યુ હતુ કે તમે ખુબ પૈસાદાર છો પણ જ્યારે અમને ખબર પડી કે તમારી હાલત કેવી કફોડી છે અમને ખૂબ જ દુઃખ થયુ એટલા માટે અમે તમારો સામાન પાછો આપીએ છીએ. ખોટી માહિતીને કારણે અમે ભૂલ કરી છે.”
માફીથી સ્પષ્ટ થાય છે કે ચોર બહારના હતા પરંતુ ચોરોને મદદ કરનાર વ્યક્તિ સ્થાનિક હતો અને તેણે જાણી જોઈને ચોરોને ગરીબ ઘરનું સરનામું આપ્યું હતું.
પીડિતનું શું કહેવુ છે?
સામાન પરત મળતા ખુશ પીડિત દિનેશે જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બરે મારી વેલ્ડીંગની દુકાનમાં ચોરી થઈ હતી, તે દિવસે હું ત્યાં પહોંચ્યો ત્યારે ચોર ત્યાં હતો. 2 વેલ્ડીંગ મશીન, 1 વજન કાંટો, 1 મોટું કટર મશીન, 1 ગ્લેન્ડર અને 1 ડ્રીલ મશીન મળીને કુલ 6 વસ્તુઓની ચોરી થઈ હતી.
હું એ જ દિવસે પોલીસ સ્ટેશન ગયો જ્યારે જાણ કરવામાં આવી ત્યારે મને ત્યાંથી કહેવામાં આવ્યું કે ઇન્સ્પેક્ટર જી ચોરીની તપાસ કરવા સ્થળ પર આવશે, પરંતુ પછી કોઈ આવ્યું નહીં. ત્યારે ગઈકાલે હું ગામમાં હતો કોઈએ કહ્યું કે તમારો સામાન રસ્તાની બાજુમાં એક જગ્યાએ પડ્યો છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેમાં મારો બધો સામાન હતો અને એક ચીઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે- આ ચોરી ભૂલથી થઈ છે. ભગવાને મારી રોજી રોટી બચાવી લીધી.