ભારતની ચલણી નોટોમાં ટૂંક સમયમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. હકીકતમાં ચલણી નોટો પર ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરનો ફોટો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધી ઈન્ડિયન કરન્સી નોટ પર માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જ ફોટો છપાતા આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક કેટલીક નોટોની નવી શ્રેણી લાવવા અંગે વિચાર કરી રહ્યું છે. જેના પર ટાગોર અને કલામના વૉટરમાર્ક ફોટો હશે. આ પ્રથમ વખત છે, જ્યારે RBI ચલણી નોટો પર મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય જાણીતી હસ્તિઓની તસવીરોનો ઉપયોગ કરવાનું વિચાર કરી રહ્યું હોય.
રિપોર્ટ્સ મુજબ, RBI અને નાણાં મંત્રાલય અંતર્ગત આવનારી સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (SPMCIL) તરફથી ગાંધીજી, ટાગોર અને અબ્દુલ કલામના વોટરમાર્કની તસવીરોના સેમ્પલના બે અલગ-અલગ સેટ IIT-દિલ્હી એમેરિટ્સ પ્રોફેસર દિલીપ ટી શાહનીને મોકલવામાં આવ્યા છે. પ્રોફેસર શાહનીને બે સેટોમાંથી પસંદગી કરી અને તેને સરકાર દ્વારા અંતિમ નિર્ણય માટે રજૂઆત કરવા માટે કહેવામાં આવ્યું છે.
સરકારના સુત્રો મુજબ, એક કે ત્રણ તસવીરો પસંદ કરવા અંગેનો અંતિમ નિર્ણય હાઈ લેવલની બેઠકમાં લેવામાં આવશે. 3 વૉટરમાર્ક સેમ્પલની ડિઝાઈનને સત્તાવાર મંજૂરી મળી હતી. જો કે હજુ સુથી કોઈ ચોક્ક્સ નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ નોટો પર અલગ-અલગ મહાનુભાવોની વૉટરમાર્ક તસવીરો સામેલ કરવાની સંભાવના ચકાસવા સંદર્ભે આ પગલું ભરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અનેક એવા દેશો છે, જ્યાં ચલણી નોટો પર અલગ-અલગ તસવીનોનો ઉપયોગ થતો હોય છે. જેમ કે અમેરિકી ડોલરની વિવિધ મૂલ્યો ધરાવતી નોટોમાં જ્યોર્જ વૉશિંગ્ટન, બેન્જામિન ફ્રેન્કલિન, થૉમસ જેફરસદ, એન્ડ્ર્યૂ જૈક્સન, એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને અબ્રાહમ લિંકન સહિત કેટલાક 19મી સદીના રાષ્ટ્રપતિઓની તસવીરો પણ છે.
જણાવી દઈએ કે, પ્રોફેસર શાહની જે વૉટરમાર્કની તપાસ કરી રહ્યા છે, તે ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્સ્ટ્રૂમેન્ટેશનમાં નિષ્ણાંત છે. તેમને આ વર્ષે જાન્યુઆરીમાં જ મોદી સરકાર દ્વારા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.