સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં ભારતમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે. આમાંથી અડધાથી વધુ એટલે કે 17.7 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત છે. સૌથી વધુ ગંભીર રીતે કુપોષિત બાળકો મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક RTIના જવાબમાં આ માહિતી આપી છે. મંત્રાલયે સમાચાર એજન્સી દ્વારા આરટીઆઈ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે તે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેટાનું સંકલન છે. દેશમાં કુલ 33,23,322 બાળકો કુપોષિત છે.
દેશમાં 17.76 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત
મંત્રાલયનો અંદાજ છે કે કોરોના રોગચાળાને કારણે ગરીબથી ગરીબ વ્યક્તિ સ્વાસ્થ્ય અને પોષણની કટોકટી વધી શકે છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રાલયે કહ્યું કે 14 ઓક્ટોબર 2021 સુધીમાં ભારતમાં 17.76 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત (SAM) અને 15.46 લાખ બાળકો અલ્પ કુપોષિત (MAM) હતા. જો કે આ આંકડા ખુબ જ ચિંતાજનક છે, પરંતુ ગયા નવેમ્બરના આંકડા સાથે સરખામણી કરવામાં આવે તો તે વધુ ચિંતાજનક બની જાય છે. નવેમ્બર 2020 અને 14 ઓક્ટોબર 2021 વચ્ચે SAM બાળકોની સંખ્યામાં 91 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે હવે 9,27,606 (9.27 લાખ) થી વધીને 17.76 લાખ થઈ છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુપોષિત બાળકો
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુપોષિત બાળકો, બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે બિહાર અને ગુજરાત છે. પોષણ ટ્રેકરને ટાંકીને એક RTI જવાબમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6.16 લાખ કુપોષિત બાળકો નોંધાયા હતા, જેમાંથી 1,57,984 બાળકો અલ્પ કુપોષિત હતા અને 4,58,788 બાળકો ગંભીર રીતે કુપોષિત હતા. આ યાદીમાં બિહાર બીજા નંબરે છે, જ્યાં 4,75,824 લાખ કુપોષિત બાળકો છે. તો બીજી તરફ, ગુજરાત ત્રીજા નંબરે છે, ગુજરાતમાં કુપોષિત બાળકોની કુલ સંખ્યા 3.20 લાખ છે. તેમાં 1,55,101 (1.55 લાખ) MAM બાળકો અને 1,65,364 (1.65 લાખ) SAM બાળકોનો સમાવેશ થાય છે.