વિધાનસભામાં મંગળવારે જળસંપત્તિ વિભાગ સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આદિવાસીઓના સંભવિત વિસ્થાપનની ચિંતા કરીને અને રાજ્ય સરકારની લાગણી સ્વીકારીને વડાપ્રધાન મોદીની સૂચનાથી સોમવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સિંચાઈ મંત્રી શેખાવત્, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં સૂચિત પાર-તાપી-નર્મદા લિન્ક યોજના સ્થગિત કરવા લેવાયેલા નિર્ણય બદલ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા, એ તબક્કે કોંગ્રેસના ધારાસભ્યોએ, ‘જીત ગયા ભાઈ જીત ગયા, આદિવાસી જીત ગયા’ના જોરશોરથી નારા ગજવ્યા હતા. આ સૂચિત પ્રોજેક્ટ સામે ઊઠેલા આંદોલનના પ્રણેતા એવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને સૌએ ગૃહ બહાર અભિનંદન પણ આપ્યા હતા. જો કે એમણે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મુદ્દે લેખિતમાં શ્વેતપત્ર જાહેર ના કરે ત્યાં સુધી આંદોલન જારી રાખવાની ગૃહ બહાર જાહેરાત કરી હતી.
આંદોલનના કારણે ગૃહમાં સતત ગેરહાજર રહેતા ધારાસભ્ય અનંત પટેલે મંગળવારે કૃષિ વિભાગની બજેટની માગણીઓ ઉપર બોલતાં એવી રજૂઆત કરી હતી કે પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના હેઠળ ડાંગ જિલ્લાના 311 ગામોમાં 2,500 જેટલા કૂવા બનાવવાની અપાયેલી મંજૂરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે અને પ્રત્યેક ગામમાં સરેરાશ 33 જેટલા નવા કૂવા ખોદાતાં હોઈ આખો દિવસ થતાં બ્લાસ્ટિંગથી જાણે યૂક્રેનમાં રહેતા હોઈએ એવો અહેસાસ થાય છે. યુવા ધારાસભ્યની રજૂઆત કરવાની સ્ટાઈલથી ટ્રેઝરી બેન્ચ ઉપર બેઠેલાં મંત્રીઓ પણ હસ્યાં વિના રહી શક્યા ન હતા.
મધ્યગુજરાતમાં પાણી નહીં અપાતાં કાદવ થતો નથી ને કમળ ખીલતું નથી !
બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે મધ્યગુજરાતમાં ખાસ કરીને એમના પટ્ટામાં ભાજપનો ગજ કેમ વાગતો નથી એનો રાઝ મંગળવારે ગૃહમાં ખોલતાં જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકાર પાણી માટે મોટી મોટી યોજનાઓ બનાવે છે, પણ એનો લાભ એમના વિસ્તારના ખેડૂતોને મળતો જ નથી,’ પછી ભાજપના ધારાસભ્યો તરફ નજર ઘુમાવી એમણે કહ્યું કે, ‘તમે પાણી જ નથી આપતાં તો કાદવ ક્યાંથી થશે, ને કાદવ નહીં થાય તો કમળ ક્યાંથી ખીલશે, એટલે તમે સમજી લેજો કે, અમારે ત્યાં તો પંજો જ આવશે.’
કોંગ્રેસ વખતે ગણપતિનો ‘ગ’ ને ભાજપ રાજમાં હવે ગધેડાનો ‘ગ’ ભણાવાય છે
વિધાનસભામાં ચર્ચામાં ભાગ લેતાં ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ બારાખડી વિશે વાત કરતાં કહ્યું કે, અભ્યાસક્રમમાં ભ ભમરડાનો ભ ભણાવાય છે, પરંતુ કોંગ્રેસના શાસનમાં ભ ભ્રષ્ટાચારનો ભ ઘૂસી ગયો હતો, એ પછી 2014થી ભ ફોર ભારત થયું છે, જોકે આ બાબતનો જવાબ આપતાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગ ગણપતિનો ગ ભણાવવામાં આવતું હતું જ્યારે અત્યારે એટલે કે ભાજપના શાસનમાં ગ ગધેડાનો ગ ભણાવાય છે. આ મામલે ભાજપે શોરબકોર કરતાં અધ્યક્ષે રેકર્ડ પરથી વિધાન દૂર કર્યા હતા, જોકે કોંગ્રેસના ધારાસભ્યે આ વાત ગૃહની બહાર દોહરાવી હતી.
અધ્યક્ષે સૌ ધારાસભ્યોને સામૂહિક ફોટાનું આમંત્રણ આપતા અટકળો
અધ્યક્ષ ડો.નિમાબહેન આચાર્યે 14મી વિધાનસભાના તમામ ધારાસભ્યોને સામુહિક ફોટો સેશન માટે 31 માર્ચને ગુરૂવારે સવારે 9 કલાકે હાજર રહેવા આમંત્રણ આપતા જાતભાતની અટકળો વહી છે. વર્તમાન વિધાનસભાની મુદ્દતને હજી 10 મહિના બાકી છે. તે પહેલા ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં ચોમાસુ સત્ર મળવાનું છે. સામાન્યતઃ ધારાસભ્યોનો સામુહિક તસ્વીર છેલ્લા સત્રમાં લેવાતી હોય છે પરંતુ, તે પહેલાના બજેટ સત્રમાં આવુ આયોજન થતા ધારાસભ્યોમાં જ જાતભાતની અટકળો ઊભી થઈ છે.