દાંતીવાડાના ગંગાપુરા-સિકરીયા ગામના CRPF જવાન અરુણાચલ પ્રદેશના એટાનગર ફરજ પર હતા ત્યારે અચાનક તબિયત લથડતા શહીદ થયો હતો. શહીદ જવાનનો મૃતદેહ વતન આવી પહોંચતા તેની અંતિમયાત્રા નીકળતા હજારોની સંખ્યા લોકો જોડાયા હતા.
અરુણાચલ પ્રદેશના એટાનગર ખાતે CRPFમાં ફરજ બજાવી નિવૃત્તિ સમયે દેવરાજભાઈ ખોડાભાઈ રબારીની અચાનક તબિયત લથડતા મોત નિપજયુ હતું. ત્યારબાદ શહીદવીરને ગુરુવારની વહેલી સવારે માદરે વતન દાંતીવાડા BSF કોલોની ખાતે લાવતા ગંગાપુરા-સિકરીયા સુધી અંતિમયાત્રા નીકળી હતી. જે બાદ આ જવાનના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવતા ગામ આખું હિબકે ચઢ્યું હતું. જવાનનો નશ્વર દેશ પંચમહાભુતમાં વિલિન થયો હતો. અંતિમયાત્રામાં જોડાયેલા અનેક અધિકારીઓ અને ગ્રામજનોએ મૃતકને શોકાજંલિ આપી હતી. દાંતીવાડા તાલુકાના ગંગાપુરા-સિકરીયા ગામના દેવરાજભાઈ ખોડાભાઈ રબારી 2005 થી CRPFમાં ફરજ બજાવતા હતા. દરમિયાન ગત મંગળવારના તેઓ અરુણાચલ પ્રદેશના એટાનગર ખાતે નિવૃત્તિ સમયે ફરજ પર હતા. ત્યારે અચાનક તબિયત લથડતા મૃત્યુ થયું હતું.
ત્યારબાદ CRPFના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે તરત જ સ્વ. દેવરાજભાઈ રબારીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તેમના પાર્થિવ દેહને ગુરુવારના સવારે BSF કોલોની ખાતે લવાયો હતો. જયાં ગ્રામજનો અને પરિવારજનોએ ભારે કલ્પાંત કરી મુકતા વાતાવરણ ગમગીની ભર્યુ બની ગયુ હતું. ત્યારબાદ, સ્વ.દેવરાજભાઈના અંતિમ દર્શન કરવા માટેની તેમના ઘરે જ વ્યવસ્થા કરવામાં આવી હતી. જયાં પરિવારજનો અને ગ્રામજનોએ દહદર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જવાનો દ્વારા શહીદ દેવરાજભાઈ રબારીના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપી હતી. જે બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવતા તેમનું નશ્વર દેશ પંચમહાભુતમાં વિલિન થઇ ગયુ હતું.
અંતિમયાત્રા દરમિયાન દેશ ભક્તિના ગીતો
વીર શહીદ જવાનની અંતિમયાત્રા દરમિયાન દેશ ભક્તિના ગીતો ડી.જે. દ્વારા વગાડતા વાતાવરણ ગમગીન બન્યું હતું. જ્યારે યાત્રામાં હાજર સૌની આંખો ભીની બની ગઈ હતી.