- 11 જૂનના રોજ ગોત્રી વિસ્તારના શંકર ભગવાનના મંદિરમાં લગ્ન થશે
- સોલોગેમી એટલે પોતે પોતાની સાથે જ લગ્ન કરવા : વિશ્વમાં આવા 8 લગ્ન થયા છે
- યુવતી એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાંથી સોસિયોલોજીમાં બેચલરનો અભ્યાસ કરી રહી છે
વડોદરા : અમદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી સમાબિંદુ આવનારી 11 જૂનના રોજ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં સોલોગેમી એટલે કે તે પોતાની સાથે જ લગ્ન કરશે. સોલોગેમીનો આ ભારતનો પહેલો બનાવ વડોદરામાં બનવામાં જઈ રહ્યો છે. જે વિશે માહિતી આપતા એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાંથી સોસિયોલોજીમાં બેચલરનો અભ્યાસ કરનાર સમાબિંદુએ જણાવ્યું હતું કે, મારા પિતા સાઉથ આફ્રિકામાં રહે છે અને મારી માતા અને બહેન અમદાવાદ રહે છે.
મારા લગ્નની વિધિઓ 9 થી 11 જૂનના રોજ થશે. જેમાં 9 તારીખે મહેંદીની રસમ થશે અને 11 તારીખે લગ્ન થશે. લગ્નમાં 10 થી 15 મિત્રો આવશે. મારા પરિવારના સભ્યો ઓનલાઈન લગ્નમાં જોડાશે. હું લગ્નમાં ચણીયાચોલી અને જભ્ભો લેંઘો પણ પહેરીશ.
બાળપણથી જ મને મારી સાથે લગ્ન કરવા હતા
હું નાનપણથી જ કાચમાં જોઈને પોતાની સાથે વાતો કરતી હતી. અને નાનપણની વાતોને સાર્થક કરવા માટે મેં સોલોગેમી રીતે લગ્નનો કરવાનો વિચાર કર્યો. અનેક મિત્રોએ મને સમજાવી પણ મેં મારા વિચાર સાથે રહેવાનું નક્કી કર્યું હતું. લગ્ન કરાવવા માટે મેં 20થી વધુ બ્રાહ્મણોને ફોન કર્યો હતો પણ તેમાંથી ફક્ત એક બ્રાહ્મણોને મને લગ્ન કરાવી આપવા માટે હા પાડી છે.
મારું કન્યાદાન મારી કામવાળા બાઈ કરશે
હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થાય ત્યારે તેમાં કન્યાદાનનું મહત્વ હોય છે ત્યારે સમાબિંદુનું કન્યાદાન તેમના ઘરમાં કામ કરતી કામવાળી બાઈ કરશે. સમાબિંદુ લગ્ન પછી માંગમાં સિંદુર ભરીને ગોવા હનીમૂન માટે જશે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી સમાબિંદુ પોતાની સાથેના લગ્ન બાદ માંગમાં સિંદુર ભરીને ગોવા હનીમૂન માટે જશે. સમાબિંદુને દુલ્હન બનવું છે પણ પત્ની નહીં. જેના કારણે તેણે આ પ્રકારના લગ્ન કરવાનુ નક્કી કર્યું છે. લગ્નમાં પતિ નહીં હોય પણ અમુક રસમોમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવશે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ બાળકો હોવા જરૂરી છે એટલે હું અનાથ આશ્રમ ખોલિશ ભારતનો સોલોગેમી લગ્નનો પહેલો બનાવ વડોદરા શહેરમાં થશે. ત્યારે સોલોગેમી લગ્ન કરનાર સમાબિંદુને લગ્ન બાદ જ્યારે બાળકની ઈચ્છા થશે ત્યારે તે અનાથ આશ્રમ ખોલશે.