મધ્ય પ્રદેશે કહ્યું છે કે જ્યાં સુધી ગુજરાત અને કેન્દ્રની સરકાર સરદાર સરોવર બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી બંધ માટે વધારાનું પાણી છોડવામાં નહીં આવે.
તો આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું મોડું પડ્યું છે અને એવા સમયે મધ્ય પ્રદેશની સરકાર રાજકારણ રમી રહી છે.
રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાણીએ જણાવ્યું, "1979ના (નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ) ટ્રિબ્યૂનલ અનુસાર નર્મદાના પાણીની વહેંચણી નક્કી કરાઈ હતી અને કોઈ પણ રાજ્યને એ વહેંચણીમાં ફેરફાર કરવાનો અધિકાર નથી."
નોંધનીય છે કે મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે નર્મદાના પાણીની વિવાદવિહીન વહેંચણી માટે 'નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ ટ્રિબ્યૂનલ'નું ગઠન કરાયું હતું.
ઇન્ટર-સ્ટેટ્સ વૉટર ડિસ્પ્યૂટ્સ ઍક્ટ 1956 અંતર્ગત કેન્દ્ર સરકારે વર્ષ 1969માં 'નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ ટ્રિબ્યૂનલ'નું ગઠન કર્યું હતું અને જસ્ટિસ વી. રામાસ્વામીને આ ટ્રિબ્યૂનલના ચૅરમૅન બનાવાયા હતા.
ટ્રિબ્યૂનલનો ઉદ્દેશ નર્મદાના પાણીની યોગ્ય વહેંચણી અને નર્મદા નદીની ખીણનો વિકાસ કરવાનો હતો.
ગઠનનાં દસ વર્ષ બાદ ટ્રિબ્યૂનલે 7 ડિસેમ્બર 1979ના રોજ પોતાનો ફેંસલો આપ્યો હતો. જે અનુસાર 75 ટકા વપરાશયોગ્ય પાણી ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે વહેંચવાનું નક્કી કરાયું હતું.
ટ્રિબ્યૂનલ અંતર્ગત કયા રાજ્યને કેટલું પાણી મળવું જોઈએ?
રાજ્ય | કેટલું પાણી મળશે? (મિલિયન એકર ફૂટ) | કેટલી વીજળી મળશે? |
---|---|---|
ગુજરાત | 9 | 16% |
મધ્ય પ્રદેશ | 18.25 | 57% |
મહારાષ્ટ્ર | 0.25 | 27% |
રાજસ્થાન | 0.5 | -- |
કુલ | 28 |
સ્રોત : Hydrology and Water Resources Information System for India