યુ.એન. મહેતા હોસ્પિટલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલીને કોઇ સાઇબર એક્સપર્ટ નિષ્ણાતે એવી પોસ્ટ મૂકી હતી કે, ‘હોસ્પિટલ ટૂંક સમયમાં બંધ થાય છે અને હૃદયરોગના દર્દીઓની સારવાર થશે નહિ. હોસ્પિટલ હવે એપ્રિલ-2022માં કાર્યરત થશે. તકલીફ બદલ અમે દિલગીરી છીએ’. આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવતા હોસ્પિટલમાં નેટવર્ક એન્જિનિયર તરીકે ફરજા બજાવતા દેવાંગ પટેલે આ અંગે સાઇબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
હોસ્પિટલમાંએન્જિનિયર તરીકે ફરજ બજાવતા દેવાંગ પટેલની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ નેટવર્ક એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને આઇટીને લગતા હાર્ડવેર અને સોફ્ટવેરની કામગીરી કરે છે. યુ.એન.મહેતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર નામનું ફેસબુક એકાઉન્ટ રેગ્યુલર અપડેટ કરી રહ્યા છે. હોસ્પિટલની ઇવેન્ટ કે કોઇપણ પ્રસંગના ફોટા અને માહિતી અપડેટ કરી રહ્યા છે. તા.18-10-21ના રોજ તેમણે હોસ્પિટલના પ્રોગ્રામની અપડેટ જોવા માટે ફેસબુકનુ પેજ ખોલતા હોસ્પિટલ જેવું જ બીજું પેજ ખૂલ્યું હતું અને તેમાં હોસ્પિટલના તમામ ફોટા પોસ્ટ કરાયા હતા અને નીચે પરમેનેન્ટરી ક્લોઝ એવું લખાણ લખ્યું હતું. ફેસબુક પેજમાં મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી નંબર લખ્યો હતો જે હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે.પટેલનો હતો. આ અંગે ફરિયાદીએ તેમના એડમિનને વાત કરતા તેમણે પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ ફેસબુક એકાઉન્ટ ફેક બનાવવામાં આવ્યું છે. ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.