એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં જ ચાઇનીઝ લોન એપ કેસમાં કરાયેલી દરોડાની કાર્યવાહી બાદ વિવિધ બેન્ક ખાતા અને ઇઝીબઝ, રેઝરપે, કેશફ્રી અને પેટીએમના મર્ચન્ટ એકમોના વર્ચ્યુઅલ એકાઉન્ટ્સમાં રખાયેલા 46.67 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા હેઠળ કરાઇ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જાણકારી આપી
ઈડીએ આપેલી જાણકારીમાં કહેવાયું હતું કે ઇઝીબઝ પ્રાઇવેટ લિમિટેડ, પુણેના ખાતામાંથી 33.36 કરોડ, રેઝરપે સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ, બેંગલોરના એકાઉન્ટમાંથી 8.21 કરોડ, કેશફ્રી પેમેન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બેંગલોરના 1.28 કરોડ અને પેટીએમના નવી દિલ્હીના વર્ચ્યુઅલ ખાતામાંથી 1.11 કરોડ જપ્ત કરાયા છે.
કથિત ગેરરીતિના મામલે દરોડા પડાયા
આ મહિનાની શરૂઆતમાં જ એજન્સીએ રેઝરપે, પેટીએમ અને કેશફ્રીના બેંગલોર સ્થિત પરિસરો પર ચાઇનીઝ એપ આધારિત ફાઇનાન્સ કંપનીઓના સંચાલનમાં કથિત ગેરરીતિના મામલે દરોડાની કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન 17 કરોડ રૂપિયાની મતા જપ્ત કરાઇ હતી.
મની લોન્ડરિંગ કેસના કારણે દરોડા
આ મામલે સૌથી તાજેતરમાં 14 સપ્ટેમ્બરે દિલ્હી, મુંબઇ, ગાઝિયાબાદ, લખનઉ અને ગયામાં દરોડાની કાર્યવાહી કરાઇ હતી. મની લોન્ડરિંગનો આ કેસ એપ બેઝ ટોકન એચપીઝેડ સાથે જોડાયેલો છે. ઇડીએ કહ્યું હતું કે, અભિયાન હેઠળ તેના અધિકારીઓએ દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ, પુણે, ચેન્નાઇ, હૈદરાબાદ, જયપુર, જોધપુર ને બેંગલુરુમાં બેન્કો અને પેમેન્ટ ગેટવેના સોળ પરિસરની જડતી લીધી હતી. અને દરોડા દરમિયાન ઘણાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા.
જપ્ત કરાયેલી રકમ અમારી નથીઃ પેટીએમ
રકમ જપ્ત કરાવા અંગે પેટીએમ તરફથી કહેવાયું હતું કે લોન એપ કેસમાં ઇડી દ્વારા જપ્ત કરવામાં આવેલી રકમ પેટીએમની નથી. તે રકમ સ્વતંત્ર મર્ચન્ટ્સના ખાતામાં પડી રહેલી રકમ છે, જેની તપાસ કરાઇ રહી છે. તો બીજી તરફ કેશફ્રી પેમેન્ટ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે આ મામલે ઇડી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં સહકાર કરવાનું ચાલું રાખીશું. ઇડીએ કહ્યું હતું કે એચપીઝેડ ટોકન દ્વારા ગ્રાહકોને બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી માઇનિંગમાં રોકાણ બદલ તગડા નફાનું વચન અપાયું હતું.