દેશમાં એક તરફ મહિલાઓને સશક્ત કરવા માટે અનેક અધિકારો આપવામાં આવી રહ્યા છે. તેને પુરુષ સમોવડી બનાવાઈ રહી છે ત્યારે બીજી તરફ લગ્ન કરેલી મહિલાઓ દ્વારા ઘરેલુ હિંસાની ફરિયાદો વધી રહી છે. જેમાં પતિ કે સાસરિયાઓ દ્વારા મારપીટ કરવાના, દહેજ માંગવાના, ઘરમાંથી સંતાનો સાથે બહાર કાઢી મૂકવાના કારણો દર્શાવવામાં આવે છે. જો કે દક્ષિણ ભારતનાં તેલંગણા અને આંધ્રપ્રદેશમાં આનાથી ઊલટી ગંગા વહે છે ત્યાં 80 ટકા મહિલાઓ પતિના હાથે માર ખાવા રાજી હોવાના અહેવાલો આવી રહ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનું તારણ દર્શાવે છે કે તેલંગણામાં 83.8 ટકા મહિલાઓ માને છે કે તેમનાં પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ યોગ્ય છે. કર્ણાટકમાં 81.9 ટકા પુરુષો એવું માને છે કે, પત્ની સાથે કરાતી મારપીટ વાજબી અને યોગ્ય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા જમ્મુ-કાશ્મીર સહિત 18 રાજ્યોની મહિલાઓ તેમજ પુરુષોનો ઘરેલુ હિંસા અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં આસામ, આંધ્રપ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા અને પિૃમ બંગાળનો સમાવેશ થાય છે.
સર્વેના પરિણામો જરા ચોંકાવનારા હતા. આ સર્વે 2019થી 2021 વચ્ચે કરવામાં આવ્યો હતો જેનાં પરિણામો બુધવારે જાહેર કરાયા હતા. તેમાં તેલંગણાની 83.8 ટકા મહિલાઓએ તેમના પતિ દ્વારા કરવામાં આવતી મારપીટને યોગ્ય અને વાજબી ગણી હતી. હિમાચલપ્રદેશમાં આ મુદ્દે સૌથી ઓછામાં ઓછી મહિલાઓ સંમત થઈ હતી. અહીં ફક્ત 14.8 ટકા મહિલાઓએ ઘરેલુ હિંસાને વાજબી ગણાવી હતી. કર્ણાટકનાં 81.9 ટકા પુરુષોએ તેને વાજબી ગણાવી હતી જ્યારે હિમાચલના 14.2 ટકા પુરુષો સંમત થયા હતા.
શું હતા સર્વેમાં સવાલો?
જો કે ફક્ત 42 ટકા પુુરુષ આ સાથે સંમત હતા. સર્વેમાં મહિલાઓ તેમજ પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. તમામને એક સામાન્ય સવાલ કરાયો હતો કે તમારા મતે શું પતિ દ્વારા તેની પત્નીને કરવામાં આવતી મારપીટ યોગ્ય છે? સર્વેમાં અનેક પ્રકારની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવાઈ હતી. જેમાં લખાયું હતું કે, તમારા મતે પતિ દ્વારા પત્નીને મારપીટ કરવાનું ક્યારે વાજબી છે?