અત્તરના વેપારી પીયૂષ જૈનની કાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી કરાયેલી કાર્યવાહી દરમિયાન 275 કિલો સોના-ચાંદી સાથે 284 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. રવિવારે ત્રીજા દિવસે જૈનના ઘર અને ફેક્ટરીમાં CGST અને ITનું સર્ચ ઓપરેશન યથાવત રહ્યું હતું. શનિવારે ઘરમાંથી ભોંયરું મળી આવ્યું હતું, જેમાથી 250 કિલો ચાંદી અને 25 કિલો સોનાની લગડીઓ મળી આવી હતી.ચાંદીની કિંમત આશરે 2 કરોડ રૂપિયા જ્યારે સોનાની કિંમત 12.50 કરોડ રૂપિયા છે. સાથે જ અહેવાલો અનુસાર ભોંયરામાંથી ચલણી નોટો ભરેલી નવ કોથળા પણ મળ્યા હતા. જેમાં મોટાભાગે બે હજારની નોટ છે. જ્યારે અન્ય નોટો 500 રૂપિયાની છે. નોટોની ગણતરી માટે મશીન મંગાવાયા હતા.
તાળાં તોડવા હથોડા અને ગેસ કટરનો ઉપયોગ
વિજિલન્સ ટીમે તાળાં તોડવા માટે કારીગરો, હથોડા, ગેસ કટર અને વેલ્ડિંગ મશીનની મદદ લીધી છે. જૈનની કાળી કમાણીનો પત્તો મેળવવા માટે અમદાવાદથી આઇજીએસટીની વિજિલન્સ ટીમના અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી લાગેલા છે. જૈનના ઘરમાંથી દોઢ ડઝન લોકરની પણ તલાશી લેવાઇ હતી. મકાન અને નજીકમાં બનેલા ગોડાઉનમાં એવા ભોંયરા અને દીવાલોમાં લોકરો હતાં જેમને શોધવા મુશ્કેલ હોવાથી આર્કિટેક્ટ એન્જિનિયરોની ટીમ બોલાવાઇ હતી.
થેલીઓમાં મળ્યા ચાવીના ઝૂમખા
વિજિલન્સ ટીમને જૈનના મકાનની અંદર અલગ-અલગ થેલાઓમાંથી ચાવીઓ મળી છે. તાળું તોડનારા એક કારીગરે જણાવ્યું હતું કે કુલ 300 ચાવી છે. તેમને તાળામાં લગાવીને જોવામાં તકલીફ થઇ રહી છે. જે તાળા ખૂબ પ્રયાસો બાદ પણ ખોલવામાં સફળતા નથી મળતી તેમને તોડવા માટે તેમને બોલાવવામાં આવે છે. કારીગરે જણાવ્યું હતું કે તેમણે શનિવારે ત્રણ મોટા તાળા તોડયા હતા જ્યારે બે જગ્યાએ આંકડી તોડી છે.