મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ વધુ ઘેરાઈ રહ્યું છે. ત્યારે હવે આ લડાઈ કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડી સરકાર અને શિવસેનાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. જેથી બળવાખોર જૂથને ફટકો પડ્યો છે. એકનાથ શિંદે જૂથ હવે તેની સામે સુપ્રીમ કોર્ટમાં જશે. ઠાકરે જૂથે ચૂંટણી પંચ સમક્ષ વાંધો દાખલ કરીને કહ્યું છે કે, શિંદે જૂથ 'બાલા સાહેબ' અને 'શિવસેના'ના નામનો ઉપયોગ કરી શકે નહીં.
એક તરફ શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેને જોતા મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શિવસેનાના કાર્યકરોએ પૂણેમાં હંગામો મચાવ્યો છે. બળવાખોર ધારાસભ્ય તન્નાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી છે. પૂણે શહેરના શિવસેના પ્રમુખે કહ્યું છે કે, તેમના જ કાર્યકરોએ તોડફોડ કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે, તમામ બળવાખોર ધારાસભ્યો અને દેશદ્રોહીઓ જેમણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુશ્કેલીમાં મૂક્યા છે તે તમામને આ તોડફોડની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
શિવસૈનિકોનાં ઉત્પાતને ધ્યાનમાં રાખતા પોલીસે હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે અને તમામ પોલીસ સ્ટેશનથી શહેરના તમામ રાજકીય કાર્યાલયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવાયું છે. તેમજ નિર્દેશ આપવામાં આવ્યા છે કે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અધિકારી સ્તરના પોલીસ કર્મચારીઓ દ્વારા દરેક રાજકીય કાર્યાલયની મુલાકાત લેવામાં આવે.
એક તરફ શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી, DGP મહારાષ્ટ્રને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે 38 ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.
એકનાથ શિંદેના સાંસદ પુત્રની ઓફિસમાં તોડફોડ
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના પુત્ર અને ઉલ્હાસ નગરના સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.
મુંબઈમાં કલમ 144 લાગુ
મુંબઈ પોલીસ કમિશનરે મુંબઈની હાલની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ એડિશનલ કમિશનર ઑફ પોલીસ અને તમામ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની બેઠક બોલાવી હતી. મુંબઈમાં તમામ રાજકીય પક્ષોના કાર્યાલયો અને બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી, માનનીય મંત્રીએ સાંસદો, ધારાસભ્યો અને મહત્વપૂર્ણ કોર્પોરેટરોના કાર્યાલયો અને નિવાસસ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
તેમજ હાલમાં ચાલી રહેલા રાજકીય કાર્યક્રમો અને સભાઓના આયોજન સ્થળ પર યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારમાં સંભવિત રાજકીય હિલચાલની માહિતી મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોઈ આપત્તિજનક પોસ્ટર કે બેનરો પ્રદર્શિત ન થાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે. દરેકને CRPCની કલમ 144નું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ 10 જુલાઈ સુધી અમલમાં રહેશે.