હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અધિક-પુરુષોત્તમ માસનો આગામી 18 જુલાઇના મંગળવારથી આરંભ થશે. આ વર્ષે અધિક શ્રાાવણને પગલે બે મહિના સુધી મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાન, પૂજા-અર્ચના, વિવિધ પ્રકારના કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. 18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી અધિક માસને કારણે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ ભગવાનની પૂજા-અર્ચના અને પછી 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી શ્રાાવણ માસ હોય શિવ આરાધનાનો મહિમા જોવા મળશે. અધિક-પુરુષોત્તમ માસ વેળાએ રુદ્રવ્રત, નીલવ્રત, પ્રીતિવ્રત સહિતના વિવિધ વ્રત અને દાન-સેવાકાર્ય ફળદાયી માનવામાં આવે છે.
18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી અધિક માસ
મહારાજ હાર્ધિક ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, આ વર્ષે શ્રાાવણમાં અધિક માસ લાગવાથી શ્રાવણ 59 દિવસનો એટલે કે બે માસનો રહેશે. દર ત્રણ વર્ષે એક વખત હિન્દુ સંવતનો એક મહિનો વધારાનો હોય છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. ભારતીય ગણના પદ્ધતિ પ્રમાણે સૂર્ય વર્ષમાં 365 દિવસ હોય છે અને ચંદ્ર વર્ષમાં 354 દિવસ હોય છે. તેને જોતાં સૂર્ય અને ચંદ્ર વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર હોય ત્રણ વર્ષમાં તે વધીને 33 દિવસનું થતાં એક મહિનો અધિક તરીકે ઉમેરાય છે. અધિક માસમાં ભગવાન વિષ્ણુ, કૃષ્ણ ભગવાનનું તુલસી પૂજન કરી ઉજવણી થાય છે. અધિક એટલે કે વધારાનો મહિનો હોય પૂજા-પાઠ, વ્રત અને સાધનાનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે. અધિક માસમાં શરીરમાં સમાવિષ્ટ પંચમહાભૂતોનું સંતુલન સ્થાપિત કરવા વ્યક્તિ માટે ચિંતન-મનન, ધ્યાન, યોગ વગેરે ફળદાયી માણવામાં આવે છે.
17મીએ સોમવતી અમાસ, દિવાસો, એવ્રત-જીવ્રત વ્રત જાગરણ
મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, 18 જુલાઇના રોજ મંગળવારથી અધિક માસના આરંભ પૂર્વે 17મીએ સોમવતી અમાસનો વિશેષ સંયોગ જોવા મળશે. સોમવારે દર્શ-આદિ-હરિયાળી અમાસ, એવ્રત-જીવ્રત વ્રત-જાગરણ, દિવાસો, દીપપૂજા, દરિયાઇ નવું વર્ષ પ્રારંભ, મહાપુણ્યકાળ, કુમાર યોગ, ચિતલાંગી અમાસ સહિતના ધાર્મિક પ્રસંગો, પર્વોની ઉજવણી થશે. જોકે, આ વર્ષે અધિક માસ હોવાને કારણે દિવાસો અને દશામા વ્રત આરંભને લઇને મતમતાંતર જોવા મળી રહ્યો છે. તેમ છતાં સોમવારે દિવાસો હોય ઘણા શ્રાદ્ધાળુઓ તે દિવસથી જ દશામા વ્રતનો આરંભ કરશે.
આ વર્ષે અધિક માસ વેળાએ વિવિધ અનુષ્ઠાન, પર્વો
18 જુલાઇથી અધિક માસના આરંભ બાદ 21મીએ વિનાયક ચતુર્થી, 23મીએ અમૃતસિદ્ધિયોગ, 26મીએ બુધાષ્ટમી, દુર્ગાષ્ટમી, 30મીએ ભાનુપ્રદોષ, 1ઓગસ્ટે વ્રતની પૂનમ, પૂર્ણિમા વ્રત, 4 ઓગસ્ટે સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય, 8મીએ કાલાષ્ટમી, જન્માષ્ટમીની વધાઇનો પ્રારંભ, 11મીએ એકાદશીની વૃદ્ધિ, 12મીએ પુરુષોત્તમ કમલા એકાદશી, 13મીએ ભાનુપ્રદોષ, 14મીએ શિવરાત્રી,16મીએ બુધવારી અમાસની ઉજવણી સાથે અધિક માસનું સમાપન થશે.
હવે છેક 2042ની સાલમાં અધિક શ્રાવણનો સંયોગ થશે
અધિક મહિનો હિન્દુ પંચાગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. જેમાં 2018ની સાલમાં અધિક જેઠ અને 2020માં અધિક આસો બાદ આ વર્ષે 2023માં અધિક શ્રાવણ આવશે. જોકે, ત્યાર બાદ હવે 2042ની સાલમાં અધિક શ્રાવણનો સંયોગ રચાશે. આ પહેલા 2026માં અધિક જેઠ, 2029માં અધિક ચૈત્ર, 2031માં અધિક ભાદરવો, 2034માં અધિક અષાઢ, 2037માં અધિક જેઠ અને 2039માં અધિક આસો આવશે. 2042માં અધિક શ્રાવણ રહેશે.
શ્રાવણના તહેવાર
17 ઓગસ્ટના રોજ નિજ શ્રાવણના આરંભ સાથે જ બૃહસ્પતિ પૂજન, નક્ત વ્રતારંભ, 18મીએ જીવંતિકા વ્રત-મહાલક્ષ્મી પૂજન-સ્થાપન, 19મીએ હરિયાળી-ફુલડા ત્રીજ, 20મીએ વિનાયક ચતુર્થી, 21મીએ નાગ પંચમી, 22મીએ રાંધણ છઠ્ઠ, 23મીએ શિતળા સાતમ, 24મીએ દુર્ગાષ્ટમી, 25મીએ બગીચા નોમ, 26મીએ અશ્વસ્થ મારૂતિ પૂજન, 27મીએ પવિત્રા-પુત્રદા એકાદશી, 28મીએ સોમપ્રદોષ, 29મીએ શિવપવિત્રા રોપણ, 30મીએ રક્ષાબંધન, 2 સપ્ટેમ્બરે કજલી ત્રીજ, 3 સપ્ટેમ્બરે બોળ-બહુલા ચોથ, 4 સપ્ટેમ્બરે નાગપંચમી, 5મીએ રાંધણછઠ્ઠ, 6મીએ શિતળા સાતમ, 7મીએ જન્માષ્ટમી, 8મીએ ગોગા નવમી, 10મીએ અજા એકાદશી, 15મીએ શિવપાર્થેશ્વર પૂજન સમાપ્ત સાથે શ્રાવણ માસનું સમાપન થશે.