વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના અબોહરમાં કહ્યું હતું કે પંજાબમાં મારી આ અંતિમ રેલી છે. પંજાબના લોકોએ નક્કી કરી લીધું છે કે તેઓ ડબલ એન્જિનની સરકાર બનાવવા જઇ રહ્યા છે. મોદીએ આ રેલીમાં સીએમ ચન્નીના યુપી-બિહારના ભૈયાવાળા નિવેદન વિશે કહ્યું હતું કે, કોંગ્રેસના મુખ્યપ્રધાને જે નિવેદન આપ્યું છે, તેની પર દિલ્હીના તેમના માલિક ઊભા થઇને તાળી વગાડી રહ્યા હતા. અહીં એવું કોઇ ગામ નહીં હોય જ્યાં ઉત્તરપ્રદેશ અને બિહારના આપણા ભાઇ-બહેન મહેનત ન કરતા હોય. હું તમને પૂછવા માગંુ છું કે સંત રવિદાસજી ક્યાં જન્મ્યા હતા? સંત રવિદાસજી ઉત્તરપ્રદેશના કાશીમાં જન્મ્યા હતા. તમે કહો છો કે ઉત્તરપ્રદેશના ભૈયાઓને ઘૂસવા નહીં દહીએ તો શું સંત રવિદાસજીનું નામ પણ ભૂંસી નાખશો?
ગુરુ ગોવિંદસિંહનું નામ લઈ બિહારનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાને કહ્યું હતું કે હું પૂછવા માગંુ છું કે ગુરુ ગોવિંદસિંહનો જન્મ ક્યાં થયો હતો? પટણાસાહિબમાં આપણા ગુરુ ગોવિંદસિંહનો જન્મ થયો હતો. તમે લોકો કહો છો કે બિહારના લોકોને ઘૂસવા નહીં દો. તો શું તમે ગુરુ ગોવિંદસિંહનું અપમાન કરશો? શું તમે ગુરુ ગોવિંદસિંહનું અપમાન સહી લેશો? જે માટીમાં ગુરુ ગોવિંદસિંહે જન્મ લઇને આપણી રક્ષા કરી તે માટીનાં સંતાનોને પંજાબમાં ઘૂસાવા નહીં દો?
રાહુલ ગાંધીને પણ લપેટમાં લીધા
વિભાજનકારી વિચારધારાને એક પળ માટે પણ રાજ કરવાનો અધિકાર નથી. પંજાબ સરહદી રાજ્ય છે. તેની પર હંમેશાં નાપાક નજર રહે છે. તેથી અહીં જે સરકાર બનશે તે રાષ્ટ્ર પ્રથમવાળી સરકાર હોવી જોઇએ.