- વર્તમાનમાં ઈન્સ્ટન્ટ લોન આપનારી અનેક એપ્લિકેશન એક્ટિવ
- ગ્રાહકોને નજીવી લોન આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા
- હવાલા અને ક્રિપ્ટો કરન્સી થકી 500 કરોડ રૂપિયા ચીન મોકલી દીધા
છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્સ્ટન્ટ લોન આપવા માટેની અનેક એપ્લિકેશન સક્રિય થઈ ગઈ છે. જેને ચાઈનીઝ લોન એપ્સ પણ કહેવામાં આવે છે. આવા લોકો કોઈ ડોક્યૂમેન્ટ્સ વિના લોન આપવા માટે અવારનવાર નવી-નવી સ્કીમ લઈને આવે છે અને ગ્રાહકોને ફસાવે છે. દિલ્હી પોલીસે એક આવી જ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ લોકો યુઝર્સના ડેટા ચીન અને હોંગકોંગ સ્થિત સર્વર્સ પર મોકલતા હતા. જેમાં કેટલાક ચીનના નાગરિકો પણ સંડોવાયેલા છે. આ રૂપિયાને ક્રિપ્ટો કરન્સી થકી ચીન મોકલવામાં આવી હતી. ગ્રાહકોની પ્રાઈવસી સાથે છેડછાડ કરવામાં આવતી હતી. અત્યાર સુધીની તપાસ મુજબ, ચીની નાગરિકો 500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યાં છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ઈન્ટેલિજન્સ ફ્યૂજન એન્ટ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO)એ બે મહિના સુધી દિલ્હી, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચલાવેલા ઓપરેશનને અંતે આ ગેંગનો પર્દાફાશ કરીને 22 લોકોની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, તેમને અનેક ફરિયાદો મળી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈન્સ્ટન્ટ લોન એપ ઊંચા વ્યાજદરે લોન આપી રહ્યાં છે. આટલું જ નહી, પેમેન્ટ કર્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી રહી છે. આ માટે તેઓ ગ્રાહકોના ફોટા અને ડોક્યૂમેન્ટ સાથે છેડછાડ કરીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવાના ધંધા કરે છે.
IFSOની તપાસમાં સામે આવ્યું કે, લોન અને ખંડણી વસૂલવા આ રેકેટમાં 100થી વધુ એપ્લિકેશન સામેલ છે. ટેક્નિકલ એનાલિસિસમાં સામે આવ્યું કે, આ એપ્સ ગ્રાહકોની અંગત વિગતો ચીન અને હોંગકોંગ સ્થિત સર્વર્સને મોકલતા હતા. હવાલા અને ક્રિપ્ટો કરન્સી થકી રૂપિયા ચીન મોકલવામાં આવી રહ્યા હતા. લોન આપવાની એપ્સની આડમાં આવા ગોરખધંધા ચાલી રહ્યા હતા. આ શંકાસ્પદ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જેઓ યુઝર્સ પાસેથી પરમિશન મેળવે છે. ગૂગલના સર્ચ એન્જિન ઑપ્ટિમાઈઝેશન થકી આવી એપ્લિકેશનનું માર્કેટિંગ કરવામાં આવતુ હતુ.
કેવી રીતે કૌભાંડ આચરવામાં આવતુ?
ઈન્સ્ટન્ટ લોન માંગનારા યુઝર્સ આવી એપ્લિકેશન ડાઉનલોડ કરતાં હતા. જ્યાં KYC બાદ આવી એપ્સને પોતાની તમામ વિગતો યુઝ કરવાની પરમિશન આપી દેવી પડે છે. થોડી મિનિટમાં યુઝર્સના એકાઉન્ટમાં પૈસા જમા થઈ જતા હતા. જે બાદ આવી એપ્સ યુઝર્સના ડેયા ચીન મોકલવાનું શરૂ કરે છે.
કસ્ટમર્સના ડેટા શેર કર્યા બાદ યુઝર્સ પાસેથી પૈસા પડાવવાનો ગોરખધંધો શરૂ થતો. યુઝર્સને અનેક નંબરો પરથી કોલ કરવામાં આવતો. આ નંબર નકલી આઈડીથી મેળવવામાં આવે છે. યુઝર્સની તસવીરો સાથે છેડછાડ કરીને તેની પાસેથી વધારે પૈસા પડાવવા માટે તેને મજબૂર કરવામાં આવતો. આ રિકવરી એજન્ટ એક એવા કૉલ સેન્ટરમાં કામ કર�� છે, જેને ચીનના સર્વરથી યુઝર્સની તમામ ડિટેલ્સ મળે છે.
સામાજિક પ્રતિષ્ઠાના ડર અને શરમના કારણે યુઝર્સ પૈસા આપવાનું શરૂ કરે છે. તેને એક એવા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું કહેવામાં આવે છે, જે નકલી હોય અથવા તો ખોટા ડોક્યૂમેન્ટના આધારે ખોલવામાં આવ્યું હોય. આ પૈસા પછી ખાસ બેંક એકાઉન્ટ્સમાં ડાઈવર્ટ કરવામાં આવે છે. જે બાદ હવાલા અને ક્રિપ્ટો કરન્સી થકી ચીન મોકલવામાં આવે છે.
એવી પણ વિગતો સામે આવી છે કે, માત્ર 5 થી 10 હજાર રૂપિયાની સામાન્ય લોન લેનારા ગ્રાહકો પાસેથી પણ લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ એપ્સની જાળમાં ફસાઈને અનેક લોકો આત્મહત્યા પણ કરી ચૂક્યાં છે. પૈસા પડાવવા માટે અનેક એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા હતા. દરેક એકાઉન્ટમાં પ્રતિદિન 1 કરોડ રૂપિયા સુધીની રકમ જમા થતી હતી.
આ બાબતની ગંભીરતાને જોતાં IFSOએ આવી એપ્લિકેશન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી અને અનેક ટીમો બનાવવામાં આવી. એપ્લિકેશન કોડ, કોલ ડિટેઈલ, ફાઈનાન્સિયલ ટ્રેલનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવ્યુ. જેમાં જાણવા મળ્યું કે, તેનું નેટવર્ક દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું છે.