દેશમાં ફરીવાર એન્ટિનાનો સમય પાછો આવશે. આવનારા દિવસોમાં હવે ટેલિવિઝન ચેનલ જોવા માટે ગ્રાહકોને સેટ ટૉપ બૉક્સની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવા અણસાર સાંપડી રહ્યા છે. કારણ કે સેટ ટૉપ બૉક્સ વિના પણ ટેલિવિઝનની અંદર રહેલા ઇન બિલ્ટ સેટેલાઇટ ટયૂનરની મદદથી 200 કરતા વધારે ચેનલો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે આ અંગેની જાણકારી આપી હતી. આ સુવિધાની શરુઆત થયા બાદ સામાન્ય દર્શકો પાસે સેટ-ટૉપ બૉક્સ વિના અથવા તો ફ્રી ડિશ વિના પણ 200 ચેનલો પહોંચી શકશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્રી ડિશ પર સામાન્ય મનોરંજન ચેનલોનો ખૂબ જ વિસ્તાર થયો છે, જેના કારણે કરોડો દર્શકોને આકર્ષિત કરવામાં મદદ મળી છે.
જોકે, હજું નિર્ણય લેવાનો બાકી છે
અહેવાલો અનુસાર, કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, મેં મારા વિભાગમાં એક નવી શરુઆત કરી છે. જેના અનુસાર જો તમારા ટેલિવિઝન સેટની અંદર બિલ્ટ-ઇન સેટેલાઇટ ટયૂનર છે, તો પછી અલગથી સેટ ટૉપ બૉક્સ રાખવાની કોઇ જરૂર નહીં રહે. રિમોટ કન્ટ્રોલની એક ક્લિક પર 200 કરતા પણ વધારે ટેલિવિઝન ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થઇ શકે છે. જોકે, ઠાકુરે સાથે જ સ્પષ્ટતા પણ કરી હતી કે આ મામલે હજુ નિર્ણય કરવાનો બાકી છે. હાલ વિચારણા ચાલી રહી છે.
છત પર એન્ટિના લગાવવું પડશે
સરકારની આ યોજના અમલમાં આવે તો દેશમાં ફરીવાર એન્ટિના જોવા મળશે. ગત ડિસેમ્બરમાં જ અનુરાગ ઠાકુરે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફરમેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને જણાવ્યું હતં કે તેઓ ટેલિવિઝન નિર્માતાઓને ઇન્ડસ્ટ્રિયલ સ્ટાન્ડર્ડ બ્યૂરો દ્વારા નિર્મિત સેટેલાઇટ ટયૂનર માટે ઇશ્યૂ કરવામાં આવેલા માપદંડોને અપનાવવા માટે નિર્દેશ જારી કરે. બિલ્ટ - ઇન સેટેલાઇટ ટયૂનર સાથેના ટેલિવિઝન સેટ્સ કોઇ યોગ્ય સ્થળ જેવાકે મકાનની છત અથવા ધાબુ અથવા પછી ઘરની સાઇડની દીવાલ પર એક નાનકડું એન્ટિના લગાવીને ફ્રી - ટૂ- એર ટેલિવિઝન તેમજ રેડિયો ચેનલોના પ્રસારણને સક્ષમ બનાવવામાં આવશે. વર્તમાનમાં ટેલિવિઝન ચેનલોના ગ્રાહકોએ વિવિધ પેઇડ અને ફ્રી ટૂ એર ચેનલ જોવા માટે એક સેટ-ટૉપ બૉક્સની ખરીદી કરવી પડે છે.