કાશમીર ઘાટીના જાણીતા પંડિતો હાલ આતંકવાદીઓના ટાર્ગેટ પર છે. તાજેતરની વિવિધ ઘટનાઓને પગલે તેમનામાં ભયનો માહોલ છે. છેલ્લાં 5 સપ્તાહમાં 14 સિવિલિયન મૃત્યુ પામ્યા છે. એમાં સાત કાશ્મીરી મુસ્લિમ, ચાર બિનકાશ્મીરી મજૂર, બે કાશ્મીર પંડિત અને એક શીખ મહિલા સામેલ છે.
આ ઘટનાઓ પછી ફરી કાશ્મીર ઘાટીમાં ડરનો માહોલ છે. તાજેતરની ઘટનાઓને જોતાં સિક્યોરિટી ફોર્સિસે પણ સુરક્ષાની વ્યવસ્થા સખત કરી છે. એનું કારણ એ છે કે કાશ્મીરી પંડિતો હાલ ટાર્ગેટ પર છે.
તાજેતરની ઘટના
સોમવારે એક ઘટના બની. એમાં આતંકી ડોક્ટર સંદીપ માવાને ટાર્ગેટ કરવા માગતા હતા. તેમની જૂના કાશ્મીરમાં ડ્રાય ફ્રૂટ્સની દુકાન છે. આતંકવાદીઓએ ભૂલથી કાશ્મીરી મુસ્લિમને મારી નાખ્યો, જે સંદીપનો સેલ્સમેન હતો.
સંદીપના જણાવ્યા મુજબ, તે પોતે ત્રણ વાગ્યા સુધી દુકાન પર હતા અને પોતાની એસયુવીને ત્યાં છોડીને આવ્યા હતા. સંદીપ કહે છે- પોલીસે જણાવ્યું હતું કે મારી પર હુમલો કરવામાં આવી શકે છે. હું તરત જ બીજી કારથી ઘરે પહોંચી ગયો. સાંજે મને સમાચાર મળ્યા કે મારા સેલ્સમેનને મારી નાખવામાં આવ્યો છે. માઈનોરિટીના ખતરાને પગલે તેમને સુરક્ષા મળેલી છે.
2019માં કાશ્મીર પરત ફર્યા
સંદીપ ભલે બિઝનેસમેન હોય, જોકે તેમણે મેડિકલ એજ્યુકેશન લીધું છે. 2019માં તેઓ કાશ્મીર પરત ફર્યા હતા. એ સમય હતો, જ્યારે કાશ્મીર પાસેથી સ્પેશિયલ સ્ટેટસ પરત લેવામાં આવ્યું હતું. તેમના પિતા પર પહેલાં આતંકી હુમલો થઈ ચૂક્યો છે.
જોકે સંદીપ કહે છે કે તે કોઈપણ સંજોગોમાં કાશ્મીર છોડશે નહિ. તેમના સેલ્સમેનનું નામ મોહમ્માદ ઈબ્રાહિમ ખાન હતું. 45 વર્ષનો ઈબ્રાહિમ શ્રીનગરના ઇદગાહ વિસ્તારનો રહેવાસી હતી.
લોકોનું કહેવું છે કે ખાન પર એ સમયે હુમલો કરવામાં આવ્યો, જ્યારે તે ડોક્ટર સંદીપની એસયુવીમાં બેઠા હતા. તેમના પરિવારનું કહેવું છે કે ઈબ્રાહિમ પર હુમલો ખોટી રીતે કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ વિચાર્યું હતું કે તે સંદીપ માવા છે. એ સમયે ત્યાં અધારું પણ હતું. આ કારણે કદાચ તે તેમને શોધી શક્યા નહોતા.
ખાનને બે બાળક
ઈબ્રાહિમના પરિવારમાં 19 વર્ષનો પુત્ર અને 16 વર્ષની પુત્રી છે. પુત્રની મંગળવારે જ ધો.12ની પરીક્ષા હતી. આ કારણે તે પિતાની અંતિમ યાત્રામાં પણ સામેલ ન થયો. હુમલાની જવાબદારી મુસ્લિમ જાબાઝ ફોર્સે લીધી છે.
ઘણા લોકોને સુરક્ષા આપી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા કાશ્મીરી પંડિતોની સુરક્ષા વધારવામાં આવી છે. આ અધિકારીએ પણ માન્યું કે કાશ્મીરી મુસ્લિમ સેલ્સમેનની હત્યા ભૂલથી કરવામાં આવી છે. જોકે તાજેતરની ઘટના પછી કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.