રશિયાએ રાતોરાત યૂક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારે યૂક્રેનમાં ભણતાં અંદાજે 18,000 ભારતીય વિદ્યાર્થીઓમાંથી બહુ ઓછા પાછા આવી શક્યા છે. ત્યાં ભણતા 5,000 ગુજરાતી વિદ્યાર્થીઓમાંથી માંડ 500 જેટલા પાછા આવ્યા છે. આક્રમણ થતાં જ યૂક્રેનની સરકારે તેની એરસ્પેસ પર પ્રતિબંધ ફરમાવી દેતાં આ તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ રઝળી પડયાં છે.
ઈન્ટરનેટ ડાઉન છે ત્યારે કોલેજોએ ઓનલાઈન ક્લાસ શરૂ કર્યાં
ગુજરાતના ત્રણ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીએ એવી બાંહેધરી આપી હતી કે, અમે બધી માહિતી વિદેશ મંત્રાલયને મોકલી છે અને કિવની ભારતીય એમ્બસી તમામ મદદ કરી રહી છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ ગુજરાતમાં પોતાના પરિજનો સાથે વીડિયો કોલ કર્યાં તે દરેકે એકસરખી ફરિયાદ કરેલી કે, એમ્બસીમાં કોઈ જ તેમના ફોન સુદ્ધાં ઉપાડાતા નથી. બીજી તરફ, આ વિદ્યાર્થીઓને તેમની કોલેજોની બેદરકારી પણ નડી. 15 ફેબ્રુઆરીથી વિદ્યાર્થીઓ કહેતા હતા કે તેમને સ્વદેશ જવા દો, પરંતુ ત્યારે 15 દિવસમાં પાછા ફરવાના હોવ તો જ જવાની વાત કરેલી. હવે જ્યારે આક્રમણ થયું છે અને ઈન્ટરનેટ ડાઉન છે ત્યારે કોલેજોએ ઓનલાઈન ક્લાસ શરૂ કર્યાં છે.
…મમ્મી અહીં સવારથી બ્લાસ્ટ થાય છે, સાયરનો વાગે છે મને બચાવી લો’
યુક્રેનના ઓડેશામાં મારી સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ છે. ગતરોજની અમારી ફ્લાઈટ હતી. પરંતુ પરિસ્થિતિ વિકટ બનતાં ફ્લાઈટો રદ થઈ જતાં અમે અહીં ફસાયા છીએ. અહીંના તમામ મોલ અને સ્ટોરો ખાલીખમ થઈ ગયા છે. જ્યારે મારા ઘરેથી માતાનો ફોન આવ્યો તે જ સમયે ઘરથી માત્ર 1.5 કિમી દુર જ બોમ્બ બ્લાસ્ટ થયો જેથી મારા હાથમાંથી ચાલુ ફોન પણ છુટી ગયો હતો. અમે ગભરાઈ ગયા હતા. હાલ બપોર પછી કોઈ ધડાકાનો અવાજ નથી આવ્યો તેમ એક વિદ્યાર્થીએ જણાવ્યું છે.
અમારી પાસે ૩ દિવસ ચાલે તેટલું જ કરિયાણું છે
રાજકોટનો હર્ષ સોની નામનો વિદ્યાર્થી એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગયો છે. તેણે જણાવ્યું હતું કે, અહીં પરિસ્થિતિ અત્યંત નાજુક છે. દરેક લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે વલખા મારી રહ્યા છે. મોલ અને કરિયાણાની દુકાનો પણ હવે ખાલીખમ થઈ ગઈ છે. અમારી પાસે ત્રણ જ દિવસ ચાલે તેટલું કરિયાણું છે. દૂધ સહિતની ચીજો મળવી પણ મુશ્કેલ બની ચૂકી છે. અમે 40 જેટલા ગુજરાતીઓ અહીં ફસાયા છે અને તમામમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે ત્વરિત કોઈ મદદ કરી અમને વતન પરત મોકલે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
મારી બિલ્ડિંગની સામે જ ધડાકો થયો અને ધુમાડા નીકળ્યા હતા
પાટણ જિલ્લાના રાધનપુરના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં આવેલ ઓડેસા સીટીની એમબીબીએસની ડીગ્રી પ્રાપ્ત કરવા ગયા હતા, જેમાંથી બે વિદ્યાર્થી યુદ્ધના ભણકારાને લઈને 17 ફેબ્રુઆરીના રોજ રાધનપુર ખાતે યુક્રેનથી પરત ફર્યા હતા, પરંતુ આજે હર્ષ જીતુભાઈ દરજી (રહે.રાધનપુર શેરબાગ)નામના યુવક રાધનપુરમાં ફરત ફરી શકયો નથી. તેમણે કહ્યુ હતું કે, 26 ફેબ્રુઆરીએ મારે વતન આવવાનુ હતુ પરંતુ યુધ્ધને કારણે ફલાઈટ કેન્સલ થઈ હતી. આજ વહેલી સવારે મારી બિલ્ડીગ સામે ધડાકો થયો અને ધુમાડાઓ નિકળ્યા હતાં. પાંચ દિવસ ચાલે તેટલો ખાવાનો સામાન અમોને મળ્યો છે.
સરકારે બંકરનો નક્શો આપ્યો અને કહ્યું, જો હુમલો થાય તો છુપાઈ જજો
સુરતના મોટા વરાછા યોગીચોક વિસ્તારમાં રહેતો મૌલિક પેથાણી નામનો વિદ્યાર્થી છેલ્લા 4 વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરે છે. યુદ્ધ ફટી નીકળતા તેઓ યુક્રેનની ટર્નોપિલ સિટીમાં ફ્સાયા છે. યુદ્ધ શરૂ થતાં જ એક રૂમમાં કેદ થઇ ગયા છે. મૌલિકે જણાવ્યું હતું કે, હાલ તેઓ ટર્નોપિલ સિટીમાં છે. અહીં પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ, ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત અહીં રહેતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બંકરનો નક્શો આપવામાં આવ્યો છે અને જો હુમલો થાય તો બંકરમાં છૂપાવા આદેશ કર્યો છે. મૌલિકના પિતાએ જણાવ્યું હતું કે, તે બે દિવસ પહેલાં જ ભારત આવવા તૈયાર થયો હતો.
હવે લાઇટો અને ગેસ પણ બંધ થશે એવી નોટિસ આપવામાં આવી
બે હજારથી વધુ ઈન્ડિયન યુક્રેનના નાના એવા ટર્નોપિલ સ્ટેટમાં ફસાયેલા છે. પ્રોવિઝન સ્ટોર અને પાણીની દુકાનો બંધ થઈ રહ્યા હોવાથી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલી થઈ છે. એવી નોટિસ અપાઈ છે કે થોડા સમયમાં લાઈટ અને ગેસ પણ બંધ કરી દેવાશે. નેટ અને ઓનલાઈન માધ્યમ પણ બંધ થઈ જવાની સંભાવના છે.
ચાર પાંચ દિવસ વીતી જાય એવી શક્યતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટર દ્વારા યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓ સહિતના કુલ કેટલા ગુજરાતીઓ ફસાયા છે તેની માહિતી એકત્ર કરી સરકારમાં મોકલવામાં આવી રહી છે. ગુજરાત સરકાર આ માહિતી એમ્બેસીને મોકલી રહી છે. એમ્બેસી દ્વારા આ વ્યક્તિઓ યુક્રેનમાં જ્યાં છે ત્યાંથી તેમને શોધી બોર્ડર ક્રોસ કરાવી પોલેન્ડ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોર્ડર ક્રોસ કરાવ્યા બાદ તેમને હવાઇમાર્ગે ભારત પરત લાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ વીતી જાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.