બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાય સામે આક્ષેપ લાગ્યો છે કે, ભારતમાંથી દલિત અને આદિવાસી કારીગરોને અમેરિકા લઈ જઈને તેમનુ શોષણ કરે છે. આ મુદ્દા પર અમેરિકાની ન્યુજર્સી ફેડરલ કોર્ટમાં અરજી કરાઈ છે કે, BAPS દ્વારા અમેરિકામાં એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જલસ અને ન્યુજર્સીના રોબિન્સવિલમાં મંદિરો બનાવવા માટે ભારતમાંથી લાલચ આપીને સેંકડો દલિત અને આદિવાસી કારીગરોને અમેરિકા લવાય છે અને આપેલા વચનથી વિપરિત તેમને મહિનાના માત્ર 450 ડોલર જ ચુકવાય છે. જે મુજબ દર કલાકના માત્ર 1.20 ડોલર ચુકવીને શોષણ કરાય છે, તેમને દયનીય હાલતમાં રાખવામાં આવે છે. BAPS દ્વારા લેબર અને ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરાયો છે. અમેરિકાના ઈમિગ્રેશન અધિકારી સમક્ષ આ લોકોને પથ્થરો પર કોતરણી કરનાર અથવા ચિત્રકામ કરનાર ખાસ કારીગર તરીકે રજૂ કર્યા હતા. આ પ્રકારના ખાસ કારીગરો ઇ-1 વિઝા મેળવવા માટે લાયક ઠરે છે.
કારીગરોના મતે, તેમને રહેવા માટે જ ેક્વાર્ટર્સ આપેલા ત્યાં અને મંદિરોમાં તેમને ગોંધી રાખેલા, તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ સ્થળોની વર્તમાન સ્થિતિને લઈને BAPS દ્વારા મુલાકાતીઓને પણ સ્પષ્ટ સંકેત આપેલો કે કંઈ બોલવુ નહીં, જો કોઈ બોલશે તો તેનો બદલો લેવાની ધમકી આપેલી. અરજીમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, BAPS દ્વારા મંદિરોના કામ માટે જાણી જોઈને સમાજના નબળવા વર્ગના (દલિતો અને આદિવાસી) લોકોને કામ પર રાખતા હતા. નિરીક્ષકો આ પ્રકારના કામદારોને ‘કીડા’ તરીકે બોલાવતા હતા.
યોગ્ય વળતર માટે દાવો કરનારના વકીલ ડેનિયલ વેર્નરનુ કહેવું છે કે, સમગ્ર અમેરિકામાં BAPS દ્વારા બનાવવામાં આવતા મંદિરોમાં તમામ કામદારોના નાગરિક અને કામદાર તરીકેના હકોનો ભંગ થતો નજરે પડે છે. આ કામદારો ન્યાય માટેની રાહ જોઈ રહ્યા છે. સુધારેલી અરજીમાં 21 લોકો અરજદાર બન્યા છે, જેમાંથી 17 ભારતમાં છે. ફેડરેલ એજન્સી જ્યારે ન્યુજર્સીમાં સ્થિત મંદિરમાં આવી હતી, ત્યારે તેઓ ત્યાં કામ કરતા ન હતા. જ્યારે ચારને મંદિરમાં અને પછી અમેરિકામાંથી હટાવાયા હતા. અરજીમાં કરાયેલા સુધારા મુજબ, BAPSના કર્મચારીઓ દ્વારા સ્ટેટ લેબર લો અને રેકેટીઅર ઈન્ફ્લુઅન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઈઝેશન એક્ટ નો ભંગ કર્યો છે. આ અરજીને રિકો કેસ તરીકે જ જોવામાં આવે. આ બાબત રિકો એક્ટનો ભંગ કરે છે તેવા દાવા છતાં જજે આ અરજીને ફેડરલ કેસમાં પરિવર્તિત કરવા સામે અનિચ્છા દર્શાવી હતી.
મંદિરના કામ કરતા ખાસ પ્રકારના કારીગરોને અમેરિકા લાવવા માટે વચન આપેલું કે તેમને કામનુ સારુ વળતર ચુકવાશે અને નિર્ધારિત કલાકો મુજબ કામ કરાવાશે. જો કે, આ કારીગરો પાસે કોઈપણ આરામ વગર અવિરત કામ કરાવ્યું છે. આ સ્થિતિ અસહ્ય અને ખતરા સમાન હતી. જેમાં, ભારે વજનના પથ્થરોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા, આ પથ્થરો પર થતાં કામના લીધે તેમાંથી ઉડતા નુકસાનકારક રજકણો અને કેમિકલના લીધે કારીગરોના આરોગ્ય સામે સતત જોખમ રહેલું છે. બીજી તરફ, BAPSનુ સ્પષ્ટપણે કહેવું છે કે, તેમના દ્વારા કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ કરાઈ નથી. BAPSના વકીલ પોલ. જે ફિશમેન ( ન્યુજર્સીના ભૂતપૂર્વ એટોર્ની જનરલ)નુ કહેવું છે કે, ફેડરલ સરકાર દ્વારા પથ્થરો પર કોતરણી કરનાર કારીગરને સામાન્ય રીતે ઇ-1 વિઝા અપાય છે અને તમામ બાંધકામના પ્રોજેક્ટ કે જ્યાં આ પ્રકારના કારીગરો કામ કરે છે, ત્યાં એજન્સી તેની નિયમિત રીતે તપાસ કરે છે.
ફેડરલ એજન્સીએ ન્યુજર્સીના મદિરમાંથી 100 મજૂરોને મુક્ત કરાવેલા છે. જો કે, આ ઘટના બાદ FBI, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ અને શ્રામ વિભાગે BAPS સામે ક્રિમિનલ તપાસ કરી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી. હોમલેન્ડ સિક્યુરિટી અને લેબર વિભાગ આ મુદ્દા પર કંઈ કહેવા તૈયાર નથી. જ્યારે, FBI કહે છે કે, તે તપાસના અસ્તિત્વની પુષ્ટિ અથવા તેની નકારતું નથી. અમેરિકામાં રહેતા ભારતીય હિન્દુ સમુદાયમાં છેલ્લા ઘણા વર્ષોથી BAPS સંગઠનનો બહોળો પ્રસાર થયેલો જોવા મળ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તે વિસ્તર્યું છે. BAPS દ્વારા ભારતના ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનતા રામમંદિરમાં 2.90 લાખ ડોલર આપવાનુ વચન આપેલું છે.
BAPS દ્વારા અમેરિકામાં ભારતથી લાવેલા દલિત અને આદિવાસી મજૂરોનુ શોષણ કરાય છે, તે મુદ્દે ચાલુ વર્ષે મે માસમાં અરજી કરાઈ હતી. આ અરજી બાદ, ફેડરલ એજન્ટ દ્વારા ન્યુ જર્સીમાં સ્થિત મંદિરમાં વહેલી સવારે દરોડા પાડવામાં આવેલા અને 100 જેટલા મજૂરોને મુક્ત કરાવ્યા હતા. આ પછી અનેક લોકો સામે લેબર અને ઈમિગ્રેશન કાયદાના ભંગ મુદ્દે કાર્યવાહી શરુ થયેલી. આ સમયે, આ અરજી માત્ર ન્યુજર્સી મંદિર પૂરતી કેન્દ્રિત હતી. જેમાં, રજૂઆત હતી કે BAPS દ્વારા સપ્તાહના સાતેય દિવસ મંદિરના બાંધકામ અને ભપકાદાર દેખાવની જાળવણીનુ કામ કરાવાય છે અને કલાકના માત્ર 1.20 ડોલર ચુકવાય છે. આ પછી, આ અરજીમાં સુધારો કરીને આક્ષેપ કરાયેલો છે કે સમગ્ર અમેરિકામાં બનતા મંદિરોમાં આ મજૂરોને કામ માટે મોકલાય છે અને તેમનુ શોષણ કરાય છે. વર્ષ 2020ના અંતભાગમાં ન્યુજર્સી મંદિરમાં કામદારનુ મોત થવાથી, તેના સાથી કામદાર મુકેશ કુમારે અરજી કરેલી છે. આ અરજીમાં એ પણ દાવો કરેલો છે કે, આ અમેરિકા છોડયા બાદ ભારતમાં આ મંદિરના ઓછામાં ઓછા ત્રણ મજૂરોના મોત થયેલા છે. આ અરજી પછી, મે-2021માં ન્યુજર્સી મંદિરમાં દરોડા પડયા હતા.