પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. પંજાબમાં કોંગ્રેસ આટલી ખરાબ રીતે પાછળ રહી જશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પંજાબમાં 117 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે હજુ મત ગણતરી ચાલી રહી છે, પરંતુ અત્યારથી જ પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સીએમ ચન્ની પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. ચોંકાવનારી વાત એ છે કે સીએમ ચન્નીને એક મોબાઈલ મિકેનિકે હરાવી દીધા છે.
સીએમ ચરણજીત સિંહ ચન્નીની હાર
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બરનાલા જિલ્લાની ભદૌડ બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર લાભ સિંહ ઉગોકે સામે હારી ગયા છે. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ઉગોકે ચન્નીને 37,558 મતોથી હરાવ્યા હતા. ચન્ની માટે સૌથી ખરાબ વાત એ છે કે તે રૂપનગર જિલ્લાની ચમકૌર સાહિબ બેઠક પરથી પણ પાછળ ચાલી રહ્યા છે. તેઓ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.
લાભ સિંહની માતા સરકારી શાળામાં સફાઈ કામદાર છે
જે લાભ સિંહને ચૂંટણી પહેલા કોઈ ઓળખતું નહોતું તેની આજે આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. લાભ સિંહની માતા સરકારી શાળામાં સફાઈ કામદાર છે અને તેના પિતા ખેતરોમાં મજૂરી કરે છે. લાભ સિંહ માત્ર 2 રૂમના ઘરમાં રહે છે અને આ વખતે તેમણે સીએમ ચન્ની સામે પહેલી ચૂંટણી લડીને ઈતિહાસ રચ્યો છે. તેઓ ગામડાઓમાં પ્રચાર કરવા મોટરસાયકલ કે જાહેર બસ દ્વારા ગામડે ગામડે ફરતા હતા. લાભ સિંહ વિશે તમને જણાવી દઈએ કે તેઓ થોડા વર્ષોથી જ રાજકારણમાં સક્રિય થયા અને આટલી મોટી જીત હાંસલ કરી. ધારાસભ્ય પહેલા તેઓ પ્રભારી અને પછી બ્લોક ચીફ બન્યા. આ પછી તેમને સર્કલ ચીફ બનાવવામાં આવ્યા હતા. તેમના ચૂંટણી એફિડેવિટ (2014 એફિડેવિટ)માં હીરો હોન્ડા મોટરસાઇકલની માહિતી આપવામાં આવી છે. લાભ સિંહના અભ્યાસની વાત કરીએ તો તે 12મું પાસ છે.
મોબાઈલ રિપેર કરનારે ચન્નીને હરાવ્યા
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ લાભ સિંહના વખાણ કર્યા. તેમણે કહ્યું, ભદૌરથી ચરણજીત સિંહ ચન્નીજીને હરાવનાર લાભ સિંહ મોબાઈલ ફોન રિપેરિંગની દુકાનમાં કામ કરે છે. એક સામાન્ય કાર્યકર જીવનજ્યોત કૌરે સિદ્ધુજી અને મજીઠિયા બંનેને હરાવ્યા…આપણે 75 વર્ષ વેડફ્યા અને હવે સમય બગાડવો નથી.