દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન(Amazon) તેની પ્રોડક્ટની સમયસર ડિલિવરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મુંબઇના એક ગ્રાહકે એમેઝોનમાંથી માઉથવોશ મંગાવ્યુ હતો અને ડિલિવરી સમયે એક શાનદાર સ્માર્ટફોન મળ્યો હતો. આ ગ્રાહક માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું. મુંબઇના લોકેશ ડાગાએ આ વાતની જાણકારી ટ્વિટર પર એમેઝોન ઈન્ડિયાને ટેગ કરીને આપી હતી અને કહ્યું હતું કે તેમને ભૂલથી માઉથવોશને બદલે રેડમી નોટ 10(Redmi Note 10) સ્માર્ટફોન આપવામાં આવ્યો છે. લોકેશે જણાવ્યું કે તેણે માઉથવોશ મંગાવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે મુંબઈના લોકેશ ડાગાએ એમેઝોનથી કોલગેટ માઉથવોશની 4 બોટલ મંગાવી હતો જેની કિંમત 396 રૂપિયા છે. પરંતુ જ્યારે તેણે ડિલિવરી પેકેટ ખોલ્યું ત્યારે તેમાથી રેડમી નોટ 10 સ્માર્ટફોન નિકળ્યો, જેની કિંમત 13,000 રૂપિયા છે.
લોકેશ ડાગાએ ટ્વિટર પર આ માહિતી શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ‘હેલો એમેઝોન, મેં તમારી પાસેથી કોલગેટ માઉથવોશ મંગાવ્યુ હતું, જેનો ઓર્ડર આઈડી # 406-9391383-4717957 છે. પરંતુ મને માઉથવોશને બદલે રેડમી નોટ 10 સ્માર્ટફોન મળ્યો છે. માઉથવોશ એ ઉપયોદ કરવામાં આવતી પ્રોડક્ટ છે જેને હું એપ્લિકેશનથી પરત કરવા અસમર્થ છું. આ ફોનને પરત કરવા માટે મેં એમેઝોનને ઇમેઇલ પણ કર્યો છે.
લોકેશે વધુમાં કહ્યું કે, જ્યારે મેં પેકેટ ખોલ્યું ત્યારે મેં જોયું કે પેકેજિંગ લેબલ મારું હતું પરંતુ ચલણ બીજા કોઈના નામે હતું. લોકેશ ડાગાની આ ટ્વિટર પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે, જેના પર લોકો ટ્વીટ પણ કરી રહ્યા છે અને રીટ્વીટ પણ કરી રહ્યા છે.
ટ્વિટર વપરાશકર્તાઓ તેના પર ટ્વીટ કરીને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવું જ કોઈ પણ સામાન્ય માણસ સાથે થઈ શકે છે, જેવું લોકેશ ડાગા સાથે થયું છે. તે ઘણી વખત જોવા મળ્યું છે કે ઓર્ડર કંઈક બીજો કર્યો હોય અને જ્યારે પેકેટ ખોલીએ ત્યારે કંઈક બીજું બહાર આવે. પરંતુ અહીં લોકેશ ડાગાએ પોતાની પ્રામાણિકતા દર્શાવી છે, જે પ્રશંસનીય છે.