અભિમાનીઓ માટે આપણે ત્યાં કહેવત છે કે, અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. આપણી તો શું વિસાત? વિધાત્રીએ લખેલા લેખને બદલવાના પ્રયાસ રાવણે કર્યા પણ અંતે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. રાવણનું અભિમાન ચકનાચૂર થઇ ગયું. કદાચ આ ઘટના પછી કહેવત આવી હશે કે, અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. શું છે આ કહેવત પાછળની કથા, આવો જાણીએ...
રાવણની દીકરીના લેખ વિધાત્રીએ લખ્યા
લંકાધિપતિ રાવણને છ પુત્રો હતા. ઈન્દ્રજીત (મેઘનાદ), અતિક્ય, અક્ષયકુમાર, નરાંતક, દેવાંતક અને ત્રિશીરા. આ ઉપરાંત એક પુત્રી હતી. નામ એનું પનાર. પનારના જન્મના છઠ્ઠા દિવસે વિધાત્રી લેખ લખવા આવી. રાતના સમયે રાવણના મહેલમાંથી એ લેખ લખીને જઈ રહી હતી ત્યારે રાવણે તેને રોકીને પૂછ્યું કે, તેં મારી દીકરીનું ભવિષ્ય શું ભાખ્યું? ત્યારે વિધાત્રી દેવી બોલ્યાં, તારી દીકરી રાજપાઠ ભોગવશે. પણ તેના લગ્ન પછાત જાતિના યુવક અનરિયા સાથે થશે. રાવણ ક્રોધિત થયો, તેણે કહ્યું. તું મારી દીકરીનું આવું ભવિષ્ય લખનારી કોણ? હું ધારું ત્યાં જ મારી દીકરીના લગ્ન થશે.
અનારિયાની હત્યાનું ષડયંત્ર
વિધાત્રીના લેખ લખ્યા પછીના પંદર વર્ષે રાવણે તેના સિપાઈઓને આદેશ આપ્યો કે, પછાત વિસ્તારમાં રહેતા અનારિયા નામના તરુણને મારી નાખો અને પુરાવા રુપે તેની બે આંખ અને ટચલી આંગળી કાપીને લઈ આવો. બે સિપાઈઓ પછાત વિસ્તારમાં ગયા. ખૂબ શોધખોળ કરીને અનારિયાને શોધ્યો. સિપાઈઓ તેને લંકાની બહાર લઈ ગયા. સિપાઈઓએ ટચલી આંગળી કાપી અનારિયાને કહ્યું કે, તું નાનો છે. તારી હત્યા કરવા નથી માગતા. તું જીવ બચાવવા લંકાથી દૂર જતો રહે. સિપાઈઓ રાવણને બતાવવા માટે હરણની બે આંખ અને અનારિયાની ટચલી આંગળી લઈ ગયા.
અનારિયાનું શું થયું?
અનારિયો લંકાથી દૂર એક નગરીમાં જઈ ચડ્યો. નગરીનો દરવાજાઓ બંધ હતો એટલે તે દરવાજા પાસે સૂઈ ગયો. અહીંથી શરુ થાય છે વિધિની વક્રતા. એ નગરીના રાજાનું રાતના નિધન થયું હતું. વહેલી સવારનો સૂરજ ઉગી રહ્યો હતો. નગરના રાજાને સંતાન નહોતું એટલે રાજા કોણ? એ સવાલ આવ્યો. ગામના લોકોએ નક્કી કર્યું કે, નગરનો દરવાજો ખોલીએ અને પહેલી વ્યક્તિ જે સામે મળે તે રાજા. પહેલો અનરિયો જ મળ્યો. લોકોએ 15 વર્ષના આ છોકરાને રાજા બનાવી દીધો. એ નગરના લોકોએ 'અનારદેવ' નામ આપ્યું. અનારિયો પણ પછીના દસ વર્ષમાં રાજાની જેમ જ તૈયાર થઇ ગયો અને નગરનું સંચાલન સારી રીતે કરવા લાગ્યો. રાજાને આવડે તે બધી કરતબ પણ શીખી ગયો. લંકાના પછાત વિસ્તારનો છોકરો અનરિયા હવે એક નગરનો રાજા અનારદેવ બની ગયો.
લંકાથી આવ્યું કન્યાનું માંગુ
આ તરફ રાવણની પુત્રી પનાર પણ પચ્ચીસ વર્ષની યુવાન થઇ ગઈ હતી. રાવણના કહેવાથી લંકાના પુરોહિત સોનાનો સિક્કો અને શ્રીફળ લઈને અલગ અલગ નગરમાં ફરવા લાગ્યા. પનારનું ચિત્ર પણ સાથે હતું. લંકાના પુરોહિત ફરતા ફરતા આ નગરમાં પહોંચ્યા અને રાજા અનારદેવને મળ્યા. એમને પનારનું ચિત્ર બતાવ્યું અને કન્યા ગમી ગઈ. પુરોહિતે પણ પનાર માટે અનારદેવ યોગ્ય રાજા હોવાથી તેને સોનાનો સિક્કો અને શ્રીફળ આપી દીધાં અને લગ્ન માટે લંકા આવવાનું આમંત્રણ આપ્યું. લંકાનું નામ સાંભળીને અનરિયો જરા અચકયો પણ તેને પનાર સાથે લગ્નની ઈચ્છા હતી એટલે તે લંકા જવા તૈયાર થયો.
આમ ભાંગ્યું રાવણન��ં અભિમાન
લંકામાં અનારદેવ અને પનારના લગ્ન ગોઠવાયા. લગ્ન મંડપમાં સાત ફેરા ફરાતા હતા ત્યારે લંકાધિપતિ રાવણ ત્રાડ નાખીને ઉભો થયો અને વિધાત્રીને લલકારી. કહ્યું, ક્યાં છે વિધાત્રી? તારા લેખ ખોટા પડ્યા છે. મારી દીકરીના લગ્ન રાજા સાથે થયા છે. ત્યારે લગ્ન મંડપમાં વિધાત્રી દેવી પ્રગટ થયાં અને કહ્યું, હે રાવણ, તું જો. આ રાજા અનારદેવ એ જ અનરિયો છે. ખાતરી કરવા તું એની કપાયેલી ટચલી આંગળીને જોઈ લે. રાવણે ખાતરી કરી અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું અભિમાન ચકનાચૂર થઇ ગયું. તે જમીન પર બેસી પડ્યો. દીકરી પનારે ફેરા ફરી લીધા હતા. હવે રાવણથી પણ કાંઈ થઇ શકે તેમ નહોતું. તેણે સિપાઈઓ પાસે પણ ખાતરી કરી લીધી, સિપાઈઓએ પણ કબૂલ્યું કે, તેમણે અનારિયાને માર્યો નહોતો. કુદરત જે નક્કી કરે છે તે થઇને જ રહે છે. આ પ્રસંગ જાણીતો છે. ઘણા ધાર્મિક પુસ્તકોમાં ઉલ્લેખ છે. 'રાવણ' નામની ટીવી સિરિયલમાં પણ આ પ્રસંગ બતાવાયો હતો. કથાકારો પણ ક્યારેક ક્યારેક આ કિસ્સો ટાંકીને દ્રષ્ટાંત આપે છે. રાવણ સાથે બનેલા આ પ્રસંગ પરથી જ આપણે ત્યાં કહેવત આવી હશે કે, અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું.