હોળીનો તહેવાર એ પણ એક મોટો તહેવાર માનવામાં આવે છે. ભારતભરમાં તેની ઉજવણી થાય છે. આપણે હોળીના દિવસે હોળીકાદહન કરીએ છીએ. આ વર્ષે હોળી 20મી માર્ચે અને ધૂળેટી 21મી માર્ચે ઉજવવામાં આવશે. જો હોળીની વાત કરીએ તો આ વર્ષે હોળીના દિવસે સવારના 10.46 મિનટથી લઈને સાંજના 8.46 મિનિટ સુધી એટલે કે દસ કલાક ભદ્રા રહેશે. ભદ્રાને શુભ માનવામાં આવતી નથી. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યનો નિષેધ માનવામાં આવે છે. એટલે કે આ સમયગાળામાં શુભ કાર્ય કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી આ સમયમાં તે ન કરવા. તેવો શાસ્ત્રોમાં મત પ્રવર્તે છે.
જોકે જ્યોતિષશાસ્ત્રમાં એક અન્ય મત પણ પ્રવર્તે છે. મુહૂર્ત ચિંતામણીમાં ઉલ્લેખ છે કે ભદ્રામાં પૂજનકાળ દરમિયાન જો ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા તથા ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાંથી કોઈ એક પણ હોય તો ભદ્રાનો દોષ લાગતો નથી. હોળી પર ગોધૂલિ વેળાએ પૂજનના સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની સાક્ષી રહેશે. તેથી આ કારણે ભદ્રા દોષ નહિં લાગે.. જો કે મહિલાઓ સંધ્યાકાળે હોળિકાપૂજન કરી શકે છે.
શા માટે ભદ્રાને ત્યાજ્ય ગણાય છે?
ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાગણ માસના મુખ્ય તહેવારમાં આવતી ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં રહે છે. ચંદ્ર રાશિ અનુસાર પણ ભદ્રાને જોઈએ તો સિંહ રાશિમાં ચંદ્રમામાં પણ ભદ્રાનો વાસ પૃથ્વી પર દર્શાવાયો છે. ભૂલોક પર રહેનારી ભદ્રામાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા છે. જો કે શાસ્ત્રોમાં તેનું હલ કે નિરાકરણ પણ દર્શાવાયું છે.
મુહૂર્ત ચિંતામણી અનુસાર ભદ્રામાં પૂજનના સમયે જો ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની તથા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર હોય તો તે શુભ કાર્ય કરવામાં ભદ્રા દોષ નથી લાગતો. આ વખતે હોળીના દિવસે સાંજે 4.22 મિનિટથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો આરંભ થઈ જાય છે. જે બીજે દિવસે બપોરના 2.00 વાગ્યા સુધી રહેશે. તેથી સંધ્યાકાળે હોળિકાપૂજન કરી શકાય. જો કે પૂર્ણત દોષ વિનાનું મુહૂર્ત જો ઈચ્છો તો રાતે 9.00 વાગ્યા પછીનું છે. આ સમયે કરેલું હોળિકાદહન ધન,ધાન્ય અને સુખ સમૃદ્ધિ આપનારું રહેશે.
તેમાંયે જો છાણાની હોળી પ્રગટાવવામાં આવે તો તે અતિ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. તેથી બને ત્યાં સુધી લાકડાઓને બદલે છાણાંની હોળી કરવી જોઈએ.