માર્ચનો પહેલો દિવસ ગ્રાહકો માટે મોંઘવારી લઈને આવ્યો છે. દૂધ બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડર પણ મોંઘુ થયું છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધમાં સીધો લીટરે બે રૂપિયાનો વધારો ઝીંકી દીધો જે આજથી અમલમાં આવી ગયો છે. આ વધારા બાદ દિલ્હીમાં તેની કિંમત 2012 રૂપિયા થઈ ગઈ છે. તેની સાથે જ પાંચ કિલોના સિલિન્ડર છોટુમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે 569 રૂપિયા થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 ફેબ્રુઆરીએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજના વધારા બાદ દિલ્હીમાં તેની કિંમત હવે 1907 રૂપિયાથી વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. કોલકત્તામાં તેનો ભાવ 1987 રૂપિયાને બદલે 2095 રૂપિયા થઈ ગયો છે. તેવી જ રીતે મુંબઈમાં તેની કિંમત હવે 1857 થી વધીને 1963 રૂપિયા થઈ ગઈ છે.
વિધાનસભાની ચૂંટણી બાદ ભાવ વધી શકે છે
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 6 ઓક્ટોબર, 2021થી ઘરેલુ એલપીજી સિલિન્ડર ના તો સસ્તો થયા છે કે ના તો મોંઘો થયો છે. જો કે આ સમય દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ ગઈ છે. માનવામાં આવે છે કે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો થઈ શકે છે.
19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારાને કારણે બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે. બીજી તરફ છોટુના ભાવ વધારાના કારણે વિદ્યાર્થીઓ અને મજૂરો માટે રસોઈ મોંઘી થશે. વિદ્યાર્થીઓ અને મજૂરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પાંચ કિલોનો સિલિન્ડર શરૂ કરવામાં આવ્યો હતો. એપ્રિલથી ગેસના ભાવ બમણા થવાની ધારણા છે. ઓઇલ કંપનીઓ એપ્રિલ અને ઓક્ટોબરમાં ગેસના ભાવની સમીક્ષા કરે છે.