નવા વર્ષમાં પહેલી જાન્યુઆરીથી એટીએમ અથવા કેશ રિસાઇક્લિર મશીન (Cash ATM Transaction)માંથી રોકડ ઉપાડવી મોંઘી થવા જઈ રહી છે. 1 જાન્યુઆરીથી ગ્રાહકોએ નોન-કેશ એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પાર કર્યા બાદ અત્યારની તુલનામાં વધુ ચાર્જ ચૂકવવો પડશે. જૂન મહિનામાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આના પર ફી વધારવાની મંજૂરી આપી હતી. એચડીએફસી બેંક અને એક્સિસ બેંકે ફરી એકવાર તેમના ગ્રાહકોને આ નવા નિયમની યાદ અપાવી છે.
આપને જણાવી દઈએ કે અત્યારે એટીએમ કે કેશ રિસાઇક્લિર મશીન અને નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન કરવા પર મહિનામાં પેહલાં પાંચ નાણાંકીય ટ્રાન્ઝેકશન ફ્રી હોય છે. ત્યારબાદ પ્રતિ ટ્રાન્ઝેકશન 20 રૂપિયાનો ચાર્જ લાગે છે પરંતુ 1 જાન્યુઆરી 2022થી આ ચાર્જ 21 રૂપિયા પ્રતિ નાણાંકીય ટ્રાન્ઝેકશન થશે. મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમમાંથી 3 ટ્રાન્ઝેકશન અને નોન-મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમમાંથી 5 ટ્રાન્ઝેકશન અત્યારની જેમ મફત મળતા રહેશે.
ટેક્સ અલગથી રહેશે
આ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં GST સામેલ નથી. એટલે કે આ ચાર્જ પર પણ GST લાગુ થશે. બેંકોએ ગયા મહિનાથી જ તેમના ગ્રાહકોને આ અંગેની માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું. બેંકોએ પણ આ અંગેની માહિતી પોતાની વેબસાઈટ પર મુકી છે અને મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.
ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન અને નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન શું છે?
કોઈપણ બેંકના પોતાના એટીએમમાંથી તમામ નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન મફત હોય છે. પરંતુ જો બીજી કોઇ બેન્કના કાર્ડની મદદથી કોઇ બીજી બેન્કના એટીએમમાંથી નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો ટ્રાન્ઝેકશનની નક્કી ફ્રી સંખ્યા ક્રોસ થયા બાદ ચાર્જ લાગે છે. આ ચાર્જ અલગ-અલગ બેન્કોમાં અલગ-અલગ હોય છે. ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશનમાં કેશ ઉપાડવામાં આવે છે જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશનમાં બેન્ક ઇન્કવાયરી, મિની સ્ટેટમેન્ટ અને પિન ચેન્જ કરવાનું સામેલ છે.