કોરોના મહામારી દરમિયાન અનેક દવાઓના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે DOLO 650ની ટેબલેટ આ મહામારી દરમિયાન સૌથી વધુ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી દવા બની ગઈ છે. આ સાથે જ ગુજરાતમાં પણ DOLO 650 ટેબલેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
આ અંગે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જ 4 કરોડ રૂપિયાની ડોલો 650 ટેબલેટનું વેચાણ થઈ ગયું છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં જ સવા કરોડ રૂપિયાની ડોલો 650 ટેબલેટનું વેચાણ થઈ ચૂક્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં DOLO 650 ટેબલેટ ચણા-મમરાની જેમ વેચાઈ રહી છે. લોકો આડેધડ રીતે તાવ અને દુ:ખાવા માટે DOLO 650 ટેબલેટ ખરીદી રહ્યાં છે.
ખાસ વાત એ છે કે, અમદાવાદમાં સૌથી વધુ 30 થી 35 લાખ રૂપિયાની Dolo 650 ટેબલેટનુ વેચાણ થયું છે. આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે, વધારે પડતી Dolo 650 લેવાથી લીવર પર આડઅસર થઈ શકે છે.
1993માં લૉન્ચ થઈ Dolo 650
વર્ષ 1973માં જીસી સુરાના દ્વારા સ્થાપિત કંપની માઈક્રો લેબ લિમિટેડ 650 મિલિગ્રામ પેરાસિટોમલની સાથે ડોલો 650નું પ્રોડક્શન કરે છે. ડોલો 650 બનાવવાના વિચાર અને તેની સાથે સંકળાયેલા પડકાર અંગે માઈક્રો લેબના ચેરમેન અને એમડીએ કહ્યું હતું કે, કંપનીએ ડોક્ટરો સાથે ચર્ચા કરી અને તાવની સારવાર માટેની ઉપલબ્ધ દવાઓમાં અનેક ઉણપો સામે આવી. પેરાસિટોમલ 500 એમજીથી તાવ અને દુ:ખાવામાં પૂરતી રાહત નહતી થતી. આ ખામીને દૂર કરવા માટે 1993માં ડોલો 650 લોન્ચ કરવામાં આવી હતી.