ગુજરાતના એસ.ટી વિભાગના કર્મચારીઓ માટે દિવાળી પહેલાં જ ખુશખબર આવી ગયા છે. એસ.ટી કર્મચારીઓના ગ્રેડ-પેમાં વધારો જાહેર કરાયો છે. ગુજરાત સરકારની જાહેરાત બાદ એસ.ટી વિભાગે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. ડ્રાઇવર માટે રૂ.1900 અને કંડકટર માટે રૂ.1800નો ગ્રેડ-પે નક્કી કરવામાં આવ્યો છે.
પહેલી 1 નવેમ્બરથી આ નવો વધારો લાગૂ થશે. એસ.ટી. ડ્રાઇરને 1800ના બદલે 1900 અને કંડકટરને 1650ના બદલે રૂ.1800 ગ્રેડ પે મળશે. કોઇપણ એરિયર્સ ગણાશે નહીં.
ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં લોકોને અવરજવરમાં સાનુકૂળતા રહે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે આ મુસાફરી મોંઘી બનશે. હાલમાં જે બસો અવર જવર કરી રહી છે તેના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી પરંતુ દિવાળી પર્વ દરમિયાન જે વધારાની બસો દોડશે તેમાં 25 ટકા જેટલો વધારો ભાડામાં કરાતાં મુસાફરો પર બોજો વધશે.